Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : vegetable 81 percent increase in prices of onions, potatoes and tomatoes in 1 year

શાકભાજીમાં મોંઘવારીનો માર, ડુંગળી, બટાટાં અને ટામેટાંના ભાવમાં 1 વર્ષમાં 81 ટકાનો વધારો

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2024
લાઇવ ટીવીGoogle News
શાકભાજીમાં મોંઘવારીનો માર, ડુંગળી, બટાટાં અને ટામેટાંના ભાવમાં 1 વર્ષમાં 81 ટકાનો વધારો

થોડા દિવસો પહેલા દેશમાં વેજીટેરિયન થાળી મોંઘી થઈ હતી. હવે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપની આગેવાની હેઠળની NDAની કેન્દ્રમાં સરકાર બનવાની સાથે જ ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે. દેશમાં મોટા શહેરોના શાક માર્કેટમાં ડુંગળી તેમજ બટાટાંના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. દિલ્હી-NCRના માર્કેટમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં 50%નો વધારો થયો છે. આકરી ગરમીના કારણે લીલી શાકભાજીની અછત સાથે માંગ ઊંચી રહેવાના પગલે ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. આ સાથે ડુંગળી- બટાટાંના ટામેટાંના ભાવ પણ વધી રહ્યા છે. 

App Store

છેલ્લા એક વર્ષમાં ડુંગળીની કિંમતોએ ખૂબ જ રડાવ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંક મુજબ 30 એપ્રિલ 2023માં ડુંગળીના સરેરાશ ભાવ 20.41 રૂપિયા પ્રતિ કિલો હતા. જે જૂનમાં વધીને 33.98 રૂપિયા થયા છે. 2 જૂન 2024ના રોજ રિટેલ બજારમાં ડુંગળીની કિંમત 25થી 30 રૂપિયા કિલો હતી. 9 જૂનના રોજ આ જ બજારમાં ડુંગળીની કિંમત 34થી 40 રૂપિયા કિલો થઈ ગઈ. 11 જૂને સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. આઝાદપુર માર્કેટમાં જ ડુંગળીની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રિટેલ માર્કેટમાં તે ઓછામાં ઓછા રૂ. 50 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.  

ડુંગળીના ભાવમાં શા માટે ઉછાળો નોંધાયો

આ સિવાય બકરી ઈદના તહેવાર દરમિયાન દેશભરમાં ડુંગળીની માગ વધી જાય છે. જેને પગલે વેપારી પહેલાથી જ સ્ટોક કરવાનું શરૂ કરી દે છે. દેશમાં ડુંગળીનું સૌથી મોટું માર્કેટ નાસિકની લાસલગાંવ માર્કેટમાં ગત સોમવારે ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે 25 મેના રોજ તે 17 રૂપિયા પ્રતિ કિલો હતો.  

આગામી સમયમાં પણ ભાવ વધી શકે

2023-24ની રવિ સિઝનમાં ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો છે. આ જ કારણોસર માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન ખોરવાઈ ગયું છે. મોટે ભાગે જૂન મહિના પછીથી ડુંગળી સંગ્રહ કરેલા જથ્થામાંથી આવતી હોય છે. હાલમાં ખેતરમાં પાક ન હોય પરંતુ ખેડૂતો અને વેપારીઓએ કરેલા સ્ટોકમાંથી બજારમાં ઠલવાય છે. ડુંગળીનો નવો પાક સપ્ટેમ્બર મહિના બાદ આવતો હોય છે. એટલે આગામી સમયમાં પણ ડુંગળીના ભાવ નીચા જવાની સંભાવના બહુ ઓછી છે. લોકસભા ચૂંટણી પહેલા જ સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. જો કે તેની નિકાસ પર 40% નિકાસ ડ્યુટી લગાવવામાં આવે છે. 

બટાટાંના ભાવ હજુ પણ વધી શકે

ડુંગળીની સાથે-સાથે બટાકાના ભાવમાં પણ ઉછાળ આવ્યો છે. હાલમાં ગરમીના કારણે લીલી શાકભાજીની કિંમત આસમાને છે. તેના કારણે ઓછી આવક વાળા લોકો બટાકા પર શિફ્ટ થઈ ગયા છે. ત્યારે હવે બજારમાં સાધારણ બટાકાની કિંમત 35થી 40 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે બટાટાંનું ઓછું ઉત્પાદન અને બટાટાંની માગ જળવાઈ રહેતા ભાવ હજુ પણ ઊંચકાશે. 

ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ મુજબ 30 એપ્રિલ 2023ના રોજ બટાટાંની સરેરાશ કિંમત 18.88 રૂપિયા પ્રતિ કિલો હતી. જે 10 જૂન 2024 સુધીમાં વધીને 30.57 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. બટાટાંની કિંમતમાં 11.69 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં બટાટાંના ભાવમાં 64 ટકાનો વધારો થયો છે. જૂન મહિનામાં જ બટાટાંના ભાવમાં પ્રતિ કિલોએ સરેરાશ 1 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

બટાટાં અને ડુંગળીની સરખામણીમાં ટામેટાંની કિંમતમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઈટ મુજબ 30 એપ્રિલ 2023માં ટામેટાંના છુટક વેચાણભાવ 20.55 રૂપિયા પ્રતિ કિલો હતા. 10 જૂન 2024માં ટામેટાંના ભાવ 37.11 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં ટામેટાંના ભાવમાં 81 ટકાનો અર્થાત્ પ્રતિ કિલો 16.56 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.