અમેરિકા રશિયન તેલ ખરીદવા પર વધારાના સેકન્ડરી ટેરિફ નહીં લાદે, ટ્રમ્પના સંકેતથી ભારતને રાહત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, રશિયામાંથી ક્રુડ ઓઇલ ખરીદનારા દેશો પર તેઓ વધારાના સેકન્ડરી ટેરિફ લગાવવાની યોજના પર આગળ નહીં વધી શકે. આ સમાચાર ભારત માટે રાહત આપનારા છે. કારણ કે, પહેલા એવી આશંકા હતી કે, વૌશિંગ્યન રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવા પર ભારત પર નવા પ્રતિબંધો લગાવી શકે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક રીતે ભારત જેવા ક્રુડ ઓઇલ ખરીદનારા ગ્રાહકો ગુમાવી દીધા છે, જે લગભગ 40 ટકા ઓઇલ ખરીદી રહ્યા હતાં. ચીન પણ મોટા પાયે ક્રુડ ઓઇલ ખરીદી રહ્યું છે. આથી જો મારે સેકન્ડરી ટેરિફ કે પ્રતિબંધો લગાવવા પડે તો તે એમના માટે નુકસાનદાયક હશે. જો જરૂર પડે તો હું વધારાના સેકન્ડરી ટેરિફ લાદીશ, કદાચ એવું ના પણ કરું.
ભારત પર પહેલાથી જ ભારે ટેરીફ લગાવાયા છે
અમેરિકાના ભારત પર પહેલેથીજ આકરાં ટેરિફ લગાવેલા છે. સાાત ઓગસ્ટથી ભારતીય માલ સામાનો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યું છે. ત્યારબાદ ટ્રમ્પે ભારત રશિયાથી ક્રુડ ઓઇલ ખરીદી રહ્યું હોવાથી ભારત પર બીજા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરશે. આના કારણે ભારતીય માલ સામાન પર કુલ 50 ટકા ટેરિફ થઇ ગયો છે. આ બીજો 25 ટકાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થવાનો છે. ભારતે અમેરિકાના આ નિર્ણયને ગેરવાજબી અને અન્યાયી ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતની ક્રુડ ઓઇલની આયાત રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે અને યુરોપીય દેશો પણ રશિયા પાસેેથી ભારત કરતાં પણ વધારે પ્રમાણમાં ક્રુડ ઓઇલ ખરીદી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે, ભારત અને વિશાળ અર્થવ્યવસ્થા છે અને પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે.
ભારતે હંમેશા રશિયાની સાથે પોતાના ઉર્જા સંબંધોનો બચાવ કર્યો છે. રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું ભારત માટે આર્થિક રીતે ફાયદાકારક રહ્યું છે, ખાસ કરીને જ્યારે 2022 માં યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. ભારતનું કહેવું છે કે 1.4 અબજ લોકોની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ આયાત જરૂરી છે.
70 દેશો પણ ટેરિફનો ભોગ બન્યા
અમેરિકાની આ ટેરિફ ઝુંબેશ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી. ટ્રમ્પે "ફધર મોડીફાયિંગ ધ રેસિપ્રોકલ ટેરિફ રેટ્સ" એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ લગભગ ૭૦ દેશો પર નવા ટેરિફ લાદ્યા છે. આમાં લાઓસ અને મ્યાનમાર પર 40 ટકા, પાકિસ્તાન પર 19 ટકા, શ્રીલંકા પર 20 ટકા, બ્રિટન પર 10 ટકા અને જાપાન પર 15 ટકા ટેરિફનો સમાવેશ થાય છે. આ નવા ટેરિફ 7 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં મધ્યરાત્રિ પછી અમલમાં આવ્યા હતા. ટ્રમ્પે તેમના ટ્રુથઆઉટ સોશિયલ પ્લેટફોર્મ પર આ પગલાની પ્રશંસા કરતા લખ્યું, "આજે મધ્યરાત્રિ છે! અબજો ડોલરના ટેરિફ હવે અમેરિકામાં આવી રહ્યા છે!"
બીજી પોસ્ટમાં તેમણે કહ્યું, "આ ટેરિફ એવા દેશો પર લાદવામાં આવી રહ્યા છે જે વર્ષોથી અમેરિકાનો લાભ લઈ રહ્યા છે."
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન બેઠક અનિર્ણિત
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે કરાર પર પહોંચવાના હેતુથી અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી હાઇ-પ્રોફાઇલ બેઠક કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમારી બેઠક ખૂબ જ સકારાત્મક રહી. ઘણા મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી, પરંતુ કેટલાક મુખ્ય મુદ્દાઓ હજુ સુધી ઉકેલાઈ શક્યા નથી. કોઈપણ કરાર ત્યારે જ થશે જ્યારે બધું અંતિમ સ્વરૂપ આપવામાં આવશે." આ બેઠક પહેલા, યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટે ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધુ કડક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યુમાં, બેસન્ટે કહ્યું ક્, અમે બધા પુતિનથી નિરાશ છીએ. અમને આશા હતી કે તેઓ વધુ ગંભીરતાથી વાટાઘાટો કરશે. અમે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર સેકન્ડરી ટેરિફ લાદ્યા છે. જો વાટાઘાટો સારી રીતે નહીં ચાલે, તો પ્રતિબંધો અથવા ટેરિફ વધુ વધી શકે છે."
ભારત માટે આ પરિસ્થિતિ મુશ્કેલ છે, કારણ કે રશિયા તેનો સૌથી મોટો તેલ સપ્લાયર બની ગયો છે. 2022 થી, ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં વધારો કર્યો છે, જે હવે તેની કુલ તેલ આયાતના લગભગ 35 થી 40 ટકા છે. અમેરિકાનું આ દબાણ ભારત માટે આર્થિક અને કૂટનીતિક પડકારો ઉભા કરી શકે છે.








