કંપનીના CEOએ કર્મચારીઓ પર કર્યો 2000 કરોડ રૂપિયાનો વરસાદ!
જ્યારે કોઈ કંપનીની મોટી ડીલ થાય છે, ત્યારે અવારનવાર જોવા મળે છે કે નફો માત્ર પ્રમોટર્સ અને રોકાણકારો

જ્યારે કોઈ કંપનીની મોટી ડીલ થાય છે, ત્યારે અવારનવાર જોવા મળે છે કે નફો માત્ર પ્રમોટર્સ અને રોકાણકારો સુધી જ સીમિત રહે છે. પરંતુ અમેરિકાના લુઈસિયાનાથી આવેલા આ સમાચાર જોઈને નોકરી કરતા લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. લુઈસિયાના સ્થિત ફેમિલી બિઝનેસ 'ફાઈબરબોન્ડ'ના સીઈઓ ગ્રાહમ વોકરે આ વિચારધારાને પૂરી રીતે બદલી નાખી છે.
કંપની વેચ્યા પછી ગ્રાહમને જે રકમ મળવાની હતી, તેમણે તેનો 15 ટકા હિસ્સો પોતાના 540 ફૂલ-ટાઇમ કર્મચારીઓ સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે. આ રકમ આશરે 240 મિલિયન અમેરિકન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 21 અબજ 55 કરોડ રૂપિયા (રૂ. 2155 કરોડ) થાય છે.
ડીલ અને બોનસની રકમ
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ફાઈબરબોન્ડને અમેરિકન દિગ્ગજ કંપની Eaton દ્વારા ખરીદવામાં આવી છે. આ ડીલ દરમિયાન ગ્રાહમે શરત રાખી હતી કે, કર્મચારીઓને વેચાણની આવકમાં ભાગીદાર બનાવવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે, આ ડીલમાં તમામ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે — એવા લોકોને પણ જેમની પાસે કંપનીનો કોઈ શેર નહોતો. બોનસની રકમની ચુકવણી જૂન 2025 થી શરૂ થઈ ગઈ છે.
બોનસ તરીકે સરેરાશ દરેક કર્મચારીને આશરે 4 લાખ 43 હજાર ડોલર (ભારતીય રૂપિયામાં લગભગ 3.7 કરોડ રૂપિયા) મળશે. જોકે, આ રકમ એકસાથે આપવામાં આવશે નહીં. તેને 5 વર્ષમાં ચૂકવવાની તૈયારી છે અને સાથે જ કંપનીમાં ટકી રહેવાની શરત પણ રાખવામાં આવી છે.
CEOનું નિવેદન
કંપનીના સીઈઓ ગ્રાહમ વોકરે જણાવ્યું હતું કે, લોયલ્ટીનો આ નિર્ણય કર્મચારીઓના સન્માનમાં લેવામાં આવ્યો છે, જેમણે મુશ્કેલ સમયમાં કંપનીનો સાથ આપ્યો છે. ઘણા કર્મચારીઓને તો શરૂઆતમાં આ વાત પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો.
ગ્રાહમના આ નિર્ણયની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ક્રિસમસના સૌથી સકારાત્મક સમાચાર ગણાવી રહ્યા છે.








