Stock news today: IT શેરોમાં તેજી છતાં ચોથા કારોબારી સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ રહ્યા

Stock news today: એશિયન બજારોમાં નબળા વલણો વચ્ચે ગુરુવારે (18 ડિસેમ્બર) ભારતીય શેરબજાર અસ્થિર કારોબારમાં સપાટ બંધ થયું. વૈશ્વિક બજારોમાં ઘટાડાનું પ્રતિબિંબ સ્થાનિક શેરબજાર પર પણ પડ્યું. ઓટો અને ઓઇલ શેરોમાં ઘટાડાને કારણે આઈટી શેરોમાં થયેલા વધારા પર અસર મર્યાદિત રહી. બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો.
ભારતીય શેરબજારોમાં આજે પોણા ત્રણ વાગ્યે આખી ગેઇમ બદલાઈ ગઈ હતી. ગુરુવારે, શેરબજારમાં દિવસભર ઘણી ઉથલપાથલ જોવા મળી, પરંતુ બંધ થવાના સમયે, બજાર મોટાભાગે લાલ નિશાનમાં બંધ થયું. રાહતની વાત એ હતી કે નિફ્ટીએ 25,800 નું મહત્વપૂર્ણ સ્તર જાળવી રાખ્યું. જો કે મીડ કેપ શેરોએ સારો દેખાવ કર્યો હતો. પરંતુ શેરોનો એકંદરે માર્કેટ બ્રેડ્થ ઘટાડા તરફી હતી. એનએસઇ પર એડવાન્સ-ડિકલાઈન રેશિયો 2:3 હતો. ઘડિયાળમાં 2:45 વાગતાની સાથે , શેરબજાર તેની ટોચથી સૌથી નીચા સ્તરે પહોંચી ગયું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો.
દિવસના પાછલા ભાગમાં શેરબજારમાં આવેલી નરમાઈ પાછળ નબળા વૈશ્વિક સંકેતો, ઓટો શેરોમાં વેચવાલી અને ક્રુડ ઓઈલના ભાવમાં 0.65 ટકા વધીને પ્રતિ બેરલ 60.07 ડોલર થઈ ગઈ તેના કારણે સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.
30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 84,518ના સ્તરે નજીવો ઘટાડો નોંધાવીને ખુલ્યો. ખુલતા જ તેમાં તીવ્ર ઘટાડો થયો, ટ્રેડિંગ દરમિયાન તે 84,238સુધી નીચે ગયો. અંતે તે ૭૭.84 પોઈન્ટ અથવા 0.09 ટકા ઘટીને 84,481 પર બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 25,764ના સ્તરે ખુલ્યો. દિવસભર ઈન્ડેક્સમાં વધઘટ થતી રહી અને અંતે 3 પોઈન્ટ અથવા 0.01 ટકાના સહેજ ઘટાડા સાથે 25,815ના સ્તરે બંધ થયો.
જિયોજીત ઈન્વેસ્ટમેન્ટના રીસર્ચ પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારોમાં અસ્થિરતા જોવા મળી. આ સમયગાળા દરમિયાન લાર્જ-કેપ શેરોએ મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોનું પ્રદર્શન ઓછું રહ્યું. સળંગ ત્રણ કારોબારી સત્રમાં ઘટાડા બાદ શરૂઆતના સુધારાને વેલ્યુ બાઇંગ અને આરબીઆઇના હસ્તક્ષેપથી રૂપિયામાં આવેલી મજબુતિનો સહારો મળ્યો હતો. જોકે, અમેરિકા-ભારત વેપાર સોદા અંગેની અનિશ્ચિતતા બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી અને દિવસના બીજા ભાગમાં પ્રોફિટ બુકિંગ તરફ દોરી ગઈ."
સેક્ટરવાઈઝ જોઇએ તો રોકાણકારો આઇટી અને નાણાકીય સેવાઓમાં રસ ધરાવતા હતા, જ્યારે ઓટો, તેલ અને ગૅસ, રસાયણો અને ફાર્મા શેરોમાં નોંધપાત્ર દબાણ જોવા મળ્યું. તેમણે જણાવ્યું કે, આગળની વાત કરીએ તો બજારની નજર અમેરિકાના મોંઘવારીના આંકડા અને રોજગારીના આંકડા પર છે. આ ઉપરાંત બેરોજગારીના દાવાઓના ડેટા તેમજ બેંક ઓફ ઈંગ્લેન્ડ (બીઓઈ), યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઈસીબી) અને બેંક ઓફ જાપાનના વ્યાજ દરના નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે બજારની ભાવિ દિશા અંગે સંકેતો આપી શકે છે.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
આઇટી કંપનીઓમાં ટીસીએસમાં સૌથી વધારે બે ટકાની તેજી જોવા મળી હતી. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના શેરમાં પણ લગભગ 1.9%નો વધારો થયો. અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને એક્સિસ બેંકના શેરમાં પણ વધારો થયો. બીજી બાજુ, સન ફાર્માના શેરમાં 2.9%નો ઘટાડો થયો.
ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, એશિયન પેઇન્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) અને એનટીપીસી પણ મુખ્ય ઘટાડામાં સામેલ હતા.
નિફ્ટી 50 કંપનીઓમાં ઈન્ડીગોમાં સૌથી વધારે સુધારો જોવા મળ્યો હતો. આ શેરનો ભાવ 2.72 ટકા વધ્યો હતો. આ પછી, ટીસીએસમાં 1.96 ટકાનો વધારો જોવા મળ્યો, મેક્સ હેલ્થકેરમાં 1.69 ટકાનો વધારો જોવા મળ્યો, ટેક મહિન્દ્રામાં 1.66 ટકાનો વધારો જોવા મળ્યો, ઈન્ફોસિસમાં 1.55 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે ઘટાડો સન ફાર્મામાં જોવા મળ્યો હતો. જેમાં 2.63 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ટાટા સ્ટીલ 1.31 ટકા, પાવર ગ્રીડ 1.21 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.94 ટકા, એનટીપીસી 0.86 ટકા ઘટ્યા.
બ્રોડર માર્કેટની વાત કરવામાં આવે તો બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કુલ મળીને બજારનું વલણ નકારાત્મક રહ્યું. બીએસઈ પર, લગભગ 2,500 શેર ઘટ્યા હતા, જ્યારે 1,644 શેર વધ્યા હતા. ક્ષેત્રીય રીતે, બીએસઈ આઈટી ઈન્ડેક્સ 1%થી વધુ વધ્યો હતો. પાવર ઇન્ડેક્સ 1% ઘટ્યો હતો, અને ઓટો સેક્ટર 0.5% ઘટ્યો હતો.
વૈશ્વિક બજારોમાં એશિયાઈ બજારો
ગુરૂવારે ઘટાડે બંધ રહ્યા હતાં. આનું કારણ એ છે કે વોલ સ્ટ્રીટના રોકાણકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગામી સંબોધન પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટેકનોલૉજી શેરોથી પોતાને વધુને વધુ અંતર રાખી રહ્યા છે. જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ 1.53% ઘટ્યો, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.36% ઘટ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.3% થોડો ઘટીને બંધ થયો.
અમેરિકામાં વોલ સ્ટ્રીટમાં મુખ્ય ઈન્ડેક્સ ઘટાડે બંધ રહ્યા હતાં. એસ એન્ડ પી 500માં 1.16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ સૌથી વધુ ઘટ્યો, જેમાં 1.81% ઘટાડો થયો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંબંધિત વ્યવસાયો અંગે ચિંતાઓને કારણે ટેકનોલોજી શેરો દબાણ હેઠળ રહ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પણ 0.47% ઘટ્યો

