Stock Market Update: ગ્રીનલેન્ડ વિવાદ અને વૈશ્વિક તણાવની અસર, નિફ્ટી 25,600ની નીચે સરક્યો; જાણો કયા શેરોમાં ગાબડાં પડ્યા

Stock Market Update: સોમવારે ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ યુરોપિયન દેશો પર નવા ટેરિફની જાહેરાત કર્યા પછી રોકાણકારો દ્વારા ગભરાટભરી વેચવાલીથી બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા.
ત્રિમાસિક પરિણામો પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ), આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના શેર દબાણ હેઠળ આવ્યા, જેની બજાર પર નકારાત્મક અસર પડી. વધુમાં, તેલ અને ગેસ અને રિયલ એસ્ટેટ શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે ગયું. સેન્સેક્સ 324 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 25,600ની નીચે ગયો.
વૈશ્વિક સ્તરે, રોકાણકારો પણ સાવચેત રહ્યા. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશો પર કર લાદવાની ધમકી આપી હતી કારણ કે તેઓએ ગ્રીનલેન્ડ હસ્તગત કરવાના તેમના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
ટ્રેડિંગના અંતે, બીએસઈ સેન્સેક્સ 324.17 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 83,246.18 પર બંધ થયો, જ્યારે એનએસઇ નિફ્ટી 50 108.85 પોઈન્ટ અથવા 0.42 ટકા ઘટીને 25,585.5 પર બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતાં વધુ ખરાબ પ્રદર્શન કર્યું. બીએસઈ મિડકેપ 0.42 ટકા ઘટ્યો, જ્યારે બીએસઈ સ્મોલકેપ 1.28 ટકા ઘટ્યો.
ઓઈલ એન્ડ ગૅસ અને રિયલ એસ્ટેટ શેરોમાં ઘટાડો
સેક્ટરની વાત કરવામાં આવે તો નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 1.99 ટકા ઘટી ગયો. નિફ્ટી ઓઈલ એન્ડ ગૅસ ઇન્ડેક્સ 1.56% ઘટ્યો, જ્યારે નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 1.84% ઘટ્યો. સકારાત્મક બાબતોમાં, નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.67% વધ્યો, અને નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.13% વધ્યો.
વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.37 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.99 ટકા ઘટ્યો હતો.
આ શેરોમાં સૌથી વધુ ફાયદો અને નુકસાન થયું
નિફ્ટી 50 કંપનીઓમાં, ઇન્ડિગોમાં સૌથી વધુ ૪.૨૬ ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, ટેક મહિન્દ્રા 2.87 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ 2.27 ટકા, કોટક બેંક 2.09 ટકા અને બજાજ ફાઇનાન્સ 2.03 ટકા વધ્યા હતા.
નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન વિપ્રોને થયું હતું, તેમાં 8.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.04 ટકા, ટાટા મોટર્સ પીવી 2.72 ટકા, મેક્સ હેલ્થકેર 2.26 ટકા, ઇટરનલ 2.21 ટકા ઘટ્યા.
જિયોજીત ઈનવેસ્ટમેન્ટ લિમિટેડના રીસર્ચ વિભાગના હેડ "અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ યુરોપિયન દેશો સામે નવા ટેરિફ લાદવાની ધમકીઓ જાહેર કર્યા પછી વૈશ્વિક જોખમ લેવાની ભાવના નબળી પડી છે," રિસર્ચના વિનોદ નાયરે જણાવ્યું હતું. આનાથી સંભવિત યુએસ-યુરોપિયન વેપાર વિવાદની આશંકા ફરી એકવાર જાગી છે. આ ઘટનાક્રમને કારણે વૈશ્વિક ઇક્વિટી બજારોમાં વ્યાપક જોખમ-મુક્તિનો માહોલ ફેલાયો છે, રોકાણકારો સોના જેવા સલામત-આશ્રય વિકલ્પો તરફ વળ્યા છે. સ્થાનિક સ્તરે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા સતત ઉપાડને કારણે રોકાણકારોનું વલણ સાવચેત રહ્યુ છે.
તેમણે આગળ જણાવ્યું કે, ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની સીઝન આગળ વધવાની સાથે શેરના સ્પેસિફિક ચડાવ ઉતાર જળવાઇ રહેવાની સંભાવના છે. ખાસ કરીને જ્યાં પ્રદર્શન મિશ્ર રહ્યું છે. એકંદરે, વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક પરિબળોના મિશ્રણને કારણે બજારો એકત્રીકરણ ક્ષેત્રમાં રહેવાની અપેક્ષા છે.
પ્રાથમિક બજાર અપડેટ:
ભારતીય શેરબજારની નજર આજે ભારત કોકિંગ કોલ લિમિટેડ (બીસીસીએલ) ના શેરના લિસ્ટિંગ પર રહેશે, જેનો આઇપીઓ 143 વખતથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. એસએમઇ ક્ષેત્રમાં, આર્મર સિક્યુરિટીનો આઇપીઓ આજે બંધ થઈ રહ્યો છે, જ્યારે એરિટાસ વિનિલનો આઇપીઓ તેના બીજા દિવસે પ્રવેશ કરશે. તેવી જ રીતે, મોર્ડન ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરનો એસએમઇ આઇપીઓ પણ આજે બીજા દિવસે ખુલ્લો રહેશે.

