Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : SME IPO's ‘bubble’ explodes? 81 shares out of 161 below issue price, more than 50% drop in 24 IPOs!

SME IPOનો ‘બબલ’ ફૂટ્યો? 161માંથી 81 શેર ઈસ્યુ ભાવથી નીચે, 24 IPOમાં 50%થી વધુ કડાકો!

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
SME IPOનો ‘બબલ’ ફૂટ્યો? 161માંથી 81 શેર ઈસ્યુ ભાવથી નીચે, 24 IPOમાં 50%થી વધુ કડાકો!
સોર્સ : gstv

મુંબઈ : દેશના પ્રાઈમરી (Primary) માર્કેટમાં SME IPOને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક કંપનીઓના પ્રમોટરો, બુક રનિંગ લીડ મેનેજરો અને મર્ચન્ટ બેંકરો દ્વારા IPO મારફતે નાણાં એકત્ર કરવાની દોડ જોવા મળી છે. રોકાણકારોને આકર્ષવા માટે ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને કંપનીઓ અંગે વાસ્તવિકતાથી વિપરીત રોઝી-ફુલગુલાબી અહેવાલોનો પ્રચાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા વચ્ચે હવે તેના પરિણામો સામે આવી રહ્યા છે. રિટેલ રોકાણકારોને ભારે નિરાશા હાથ લાગી છે.

App Store

161 SME IPOમાંથી 81 ઈસ્યુ ભાવથી નીચે

BSE અને NSEના SME પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં SME IPO લાવીને પ્રમોટરોએ અબજો રૂપિયા એકત્ર કર્યા છે. જોકે, આ વર્ષે લિસ્ટ થયેલા SME IPOનું પ્રદર્શન નોંધપાત્ર રીતે નબળું રહ્યું છે. અત્યાર સુધીમાં 161 SME IPO શેરબજારમાં લિસ્ટ થયા છે, જેમાંથી કુલ રૂ. 7,171 કરોડ જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી 81 IPO હાલમાં તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે.

24 IPOમાં 50 ટકાથી વધુનું ધોવાણ

રોકાણકારો માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે 24 SME IPOમાં 50 ટકા કે તેથી વધુનો ઘટાડો નોંધાયો છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન લિસ્ટ થયેલા SME IPOનું મધ્યમ (Median) વળતર 5 ઓક્ટોબર સુધીમાં માઈનસ 0.7 ટકા રહ્યું હતું. આ સમયગાળામાં લિસ્ટ થયેલા 52 ટકા SME શેર તેમના ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.

પ્રથમ છ મહિનામાં પણ સ્થિતિ ખરાબ

વર્ષના પ્રથમ છ મહિનામાં પણ SME IPOનું પ્રદર્શન ખાસ સારું રહ્યું નહોતું. જાન્યુઆરીથી જૂન દરમિયાન લિસ્ટ થયેલા 76 SME IPOમાંથી 49 ટકા IPO તેમના ઓફર પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા. આ IPOનું મધ્યમ વળતર માત્ર 0.9 ટકા રહ્યું હતું. એટલે કે વર્ષના શરૂઆતના તબક્કાથી જ આ સેગમેન્ટમાં રોકાણકારો માટે જોખમના સંકેતો દેખાઈ રહ્યા હતા.

SME ઈન્ડેક્સમાં પણ ઘટાડો

છેલ્લા એક વર્ષ દરમિયાન Nifty SME Emerge Indexમાં 2.63 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સામે Nifty IPO Indexમાં 10.5 ટકાનો વધારો થયો છે. Nifty SME Emerge Indexમાં કુલ 539 શેર સામેલ છે. બંને ઈન્ડેક્સના પ્રદર્શન વચ્ચેનો આ તફાવત પણ SME સેગમેન્ટની નબળી સ્થિતિ દર્શાવે છે.

IPOના ભાવ સામે ઊઠ્યા સવાલ

નિષ્ણાતો અને બજારના સમીક્ષકોનું કહેવું છે કે નાની કંપનીઓમાંથી કેટલીક યોગ્ય વેલ્યુએશન (Valuation) સાથે મૂડી બજારમાં પ્રવેશ કરે છે. પરંતુ મોટી સંખ્યામાં શેરો ઈસ્યુ ભાવથી નીચે ટ્રેડ થતાં અનેક કંપનીઓના વેલ્યુએશન અને IPO ભાવ નિર્ધારણ સામે સવાલ ઊભા થયા છે. કેટલીક કંપનીઓમાં IPOની કિંમત વાસ્તવિક બજાર મૂલ્ય કરતાં વધારે રાખવામાં આવી હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે.

ફેક GMPથી રોકાણકારોને લલચાવાયા?

કંપનીઓના IPO ભાવ અને લિસ્ટિંગ બાદના વાસ્તવિક બજાર ભાવ વચ્ચેનો તફાવત જોતા કૃત્રિમ ભાવ નિર્ધારણની આશંકા પણ વધી છે. ગ્રે માર્કેટમાં અવાસ્તવિક ઊંચું પ્રીમિયમ દર્શાવી રોકાણકારોને ભ્રમિત કરીને IPO ભરાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. હવે જ્યારે અનેક કંપનીઓના શેર ઈસ્યુ ભાવથી પણ નીચે આવી ગયા છે, ત્યારે SME IPO સેગમેન્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની શંકા વધુ પ્રબળ બની છે.

રિટેલ રોકાણકારો માટે આ આંકડા એક મોટો ચેતવણી સંકેત છે. માત્ર GMP, સોશિયલ મીડિયા પરના રિપોર્ટ કે બજારમાં ચાલતી ચર્ચાના આધારે SME IPOમાં રોકાણ કરવાને બદલે કંપનીની નાણાકીય સ્થિતિ, વેલ્યુએશન અને બિઝનેસ મોડલની યોગ્ય તપાસ કરવી જરૂરી બની છે