GIDCમાં પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80%ની રાહત, સરકારનો MSME માટે મોટો નિર્ણય, જાણો કોને મળશે લાભ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગકારો(MSMEs)ના હિતમાં એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ(GIDC) ઍસોસિએશન અને વિવિધ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં, સરકારે GIDC મિલકતોના જૂના વ્યવહારો સંબંધિત સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમમાં 80 ટકા સુધીની ભારે માફી/ઘટાડો આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 9(a) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે આ વિશેષ રાહત યોજના અમલમાં મૂકી છે.
કોને અને કેવી રીતે મળશે લાભ?
આ યોજના હેઠળ 30 જૂન, 2025 ના રોજ અથવા તે પહેલાં હાથ ધરવામાં આવેલા GIDCની મિલકતોના તમામ પાત્ર વ્યવહારો જેમ કે ફાળવણી પત્રો, શેરના ક્રમિક ટ્રાન્સફર, લીઝ અને સબ-લીઝ દસ્તાવેજોને આવરી લેવામાં આવશે. 1 જાન્યુઆરી, 2018 પહેલા થયેલા ટ્રાન્સફરના કિસ્સામાં નક્કી કરાયેલ બજાર મૂલ્ય પર વસૂલવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ઘટાડો કરાશે. બાકીની 20% સ્ટેમ્પ ડ્યુટી નિયમ મુજબના દંડ સાથે ચૂકવવાની રહેશે. 1 જાન્યુઆરી, 2018ના રોજ કે ત્યારબાદ થયેલા વ્યવહારોમાં પણ સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં 80%ની છૂટ મળશે અને બાકીની 20% રકમ દંડ સાથે ચૂકવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે જો 20% સ્ટેમ્પ ડ્યુટી અને દંડની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં વધી જશે, તો બેમાંથી જે રકમ વધારે હશે તે વસૂલવામાં આવશે.
યોજનાની મુખ્ય શરતો અને નિયમો:
ફક્ત MSME માટે: આ યોજનાનો લાભ માત્ર માન્ય ઉદ્યોગ નોંધણી પ્રમાણપત્ર (Udyam Registration) ધરાવતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSME)ને જ મળશે.
હાલના ધારકે ચૂકવવાનો રહેશે ચાર્જ: સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમ મિલકતના હાલના ફાળવણીકાર કે ધારકે ચૂકવવાની રહેશે.
દસ્તાવેજ નોંધણી ફરજિયાત: GIDC મિલકતના ટ્રાન્સફર સંબંધિત દસ્તાવેજોની સરકારી નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
કોર્ટ કેસ અને અપીલવાળા કિસ્સાઓ: જો કોઈ બાબતમાં નાયબ કલેક્ટરના આદેશ સામે અપીલ કરી હોય, તો 25% રકમ સિક્યોરિટી તરીકે જમા કરાવીને લાભ મેળવી શકાશે. જો કોર્ટમાં અરજી પેન્ડિંગ હોય, તો અરજદારે કેસ પાછો ખેંચવો પડશે.
ઓડિટ પેરામાં પણ રાહત: CAG/ઓડિટ નિરીક્ષણ દરમિયાન ઊભા થયેલા રિકવરી સંબંધિત કિસ્સાઓમાં પણ સ્વેચ્છાએ ડ્યુટી ભરીને આ સ્કીમનો લાભ લઈ શકાશે.
કોને લાભ નહીં મળે?
30 જૂન, 2025 પછી અમલમાં મૂકાયેલા કે કરવામાં આવેલા દસ્તાવેજો પર આ યોજનાનો કોઈ લાભ મળશે નહીં. જે કિસ્સાઓમાં આ નોટિફિકેશન બહાર પડતા પહેલા જ નિર્ણય લેવાઈ ગયો હોય અથવા સ્ટેમ્પ ડ્યુટી પહેલેથી જ ચૂકવી દેવામાં આવી હોય, તેમને કોઈ રિફંડ એટલે કે નાણાં પરત મળશે નહીં. સરકારના આ નિર્ણયથી GIDC વસાહતોમાં વર્ષોથી અટકેલા મિલકત ટ્રાન્સફર અને સ્ટેમ્પ ડ્યુટીના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે અને ઉદ્યોગકારોને આર્થિક રીતે મોટી રાહત મળશે.

