ગુજરાતમાં ટુરિઝમ અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

Gujarat Tourism Projects: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોના ભવ્ય વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવાસન અને ધાર્મિક ધામોના કાયાકલ્પ અર્થે આશરે રૂ. 133 કરોડના ખર્ચે 10 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ તમામ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે.
ગિર વિસ્તારનો આઈકોનિક વિકાસ અને રૂપાલ વરદાયિની માતાજી મંદિરનો કાયાકલ્પ
મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ગિર વિસ્તારના આઈકોનિક વિકાસને પ્રધાનતા આપવામાં આવી છે. તે સિવાય ગાંધીનગરના રૂપાલ સ્થિત પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે સૌથી વધુ રકમ ફાળવવામાં આવી છે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલના ઐતિહાસિક અનળગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિરના આસપાસના પરિસરના વિકાસ કામો પણ હાથ ધરાશે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા ખાતે ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં ભવ્ય પ્રવેશદ્વાર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાઈબ્રેરી સહિતના વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવશે.
નદી ઘાટ નિર્માણ અને સુશોભીકરણના કામો
વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલા ચેહર માતાજીના મંદિર નજીક મહિસાગર નદી પર આકર્ષક ઘાટનું નિર્માણ કરાશે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે અહીં વોકવે, પેવર બ્લોક, સુરક્ષા રેલિંગ અને સુંદર લેન્ડસ્કેપિંગ જેવા કામો હાથ ધરવામાં આવશે.
વિવિધ ધાર્મિક અને પ્રવાસી સ્થળો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટની વિગતો:
ગિર વિસ્તાર: પ્રવાસનને લગતા આઈકોનિક વિકાસ માટે રૂ. 43.91 કરોડ
રૂપાલ (ગાંધીનગર): વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડ
કેસરડી (અમદાવાદ): જોધલપીર મંદિરના નવનિર્માણ માટે રૂ. 21.75 કરોડ
અંજાર: ગોવર્ધન પર્વતના ડેવલપમેન્ટ માટે રૂ. 12.98 કરોડ
ગોંડલ: અનળગઢ કિલ્લા અને મહાકાળી મંદિરના વિકાસ માટે રૂ. 5.06 કરોડ
વાંસદા (નવસારી): ઉનાઈ માતાજી મંદિર સંકુલના વિકાસ માટે રૂ. 5.03 કરોડ
ભાદરવા (સાવલી): મહિસાગર નદીના ઘાટ નિર્માણ માટે રૂ. 3.31 કરોડ
તરભ (મહેસાણા): વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર પ્રોજેક્ટ માટે રૂ. 2.68 કરોડ
ઉમરેચા (મહેસાણા): મહાકાળી માતાજી મંદિરના કામ માટે રૂ. 50 લાખ
ધરમપુર (વલસાડ): ગોરા રામજી મંદિરના નવનિર્માણ માટે રૂ. 18.91 લાખ

