જમીન-મકાનના દસ્તાવેજ કરાવવાના હોય તો અટકી જજો! ગુજરાત સરકારે 2થી 6 સપ્ટેમ્બર સુધી આ મોટા પોર્ટલ કર્યા બંધ

રાજ્યમાં મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સની સેવાઓ તારીખ 2થી 6 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. E-Dhara, iORA અને AnyROR પોર્ટલના મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા 02 સપ્ટેમ્બરે રાતે 11.30 કલાકથી 06 સપ્ટેમ્બરની રાતે 11.30 વાગ્યા સુધી બંધ રહેશે.
કઈ કઈ સેવાઓ રહેશે બંધ?
આ સમયગાળા દરમિયાન ગરવી પોર્ટલ મારફતે થતી ખેતીના દસ્તાવેજ માટેની ડેટા એન્ટ્રી તેમજ એપોઇન્ટમેન્ટ બુકિંગ, ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજની નોંધણી, iORA પોર્ટલ મારફતે અનુક્રમણિકા-2 (Index-2)ની પ્રમાણિત નકલ તેમજ iORA મારફત દસ્તાવેજની પ્રમાણિત નકલની સેવાઓ બંધ રાખવામાં આવશે.
શું છે E-Dhara, iORA અને AnyROR પોર્ટલ?
જમીનના તમામ રેકોર્ડ્સને ડિજિટલાઈઝ કરી વારસાઈ, વેચાણ અને હકપત્રકની નોંધો સલામત રાખવાનું કામ E-Dhara સિસ્ટમ કરે છે, જ્યારે નાગરિકો ઘરબેઠા જ પોતાના જમીન-સંપત્તિના 7/12, 8-અ અને પ્રોપર્ટી કાર્ડ જેવા દસ્તાવેજો માત્ર એક ક્લિક પર જોઈ તથા ડાઉનલોડ કરી શકે તે માટે AnyROR પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થયું છે. બીજી તરફ, ખેતીની જમીનને બિન-ખેતી (N.A.)માં ફેરવવી, પ્રીમિયમ ભરવું કે વિવિધ મહેસૂલી પરવાનગીઓ માટે અરજી કરવાની હોય, ત્યારે iORA પોર્ટલ સિંગલ-વિંડો સિસ્ટમ તરીકે વચેટિયાઓ વિના ઓનલાઈન મંજૂરી પૂરી પાડે છે.

