Share Market Closing Today: શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 40 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25953 પર બંધ

Share Market Closing Today: વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે બુધવારે (11 ફેબ્રુઆરી) ભારતીય શેરબજાર ફ્લેટ બંધ થયા. બજાર નરમાઈ સાથે ખુલ્યું. દિવસભર બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી 50 અને સેન્સેક્સ સાંકડી રેન્જમાં ટ્રેડ થયા. ઓટો, ફાર્મા અને પીએસયુ બેંકિંગ શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો પરંતુ આઇટી શેરો પર સતત દબાણને કારણે બજાર ફ્લેટ બંધ થયું.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ૮૪,૩૩૯ પર નજીવો વધારો નોંધાવીને ખુલ્યો. શરૂઆતના સત્ર પછી ઇન્ડેક્સ ઉપર ખુલ્યો, પરંતુ દિવસના મોટાભાગના સમય માટે રેન્જ બાઉન્ડ રહ્યો. અંતે તે 40.28 પોઈન્ટ અથવા 0.05% ઘટીને ૮૪,૨૩૩.૬૪ પર બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી 50 લીલા રંગમાં ખુલ્યો અને ખુલ્યાના થોડા સમય પછી જ 26,000 ના આંકને પાર કરી ગયો. જોકે, તે પછીથી વધઘટ સાથે ટ્રેડ થયો અને 18.70 પોઈન્ટ અથવા 0.07 ટકાના નજીવા વધારા સાથે 25,953.85 પર બંધ થયો.
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટના રીસર્ચ વિભાગના હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "આ અઠવાડિયે, અમેરિકા-ભારત વેપાર સોદાના સમાચારને કારણે બજારમાં જોરદાર તેજી જોવા મળી. આ પછી, સ્થાનિક શેરબજાર થોડા સમય માટે સાંકડી રેન્જમાં વેપાર કરી શકે છે. બજારનું ધ્યાન હવે મિશ્ર ત્રીજા ક્વાર્ટરના પરિણામો, આગામી માસિક ફુગાવાના ડેટા અને વેપાર કરારની વધુ સારી શરતો પર કેન્દ્રિત થયું છે, જે અહેવાલ મુજબ અંતિમ તબક્કામાં છે."
તેમણે જણાવ્યું હતું કે, ઓટો અને હેલ્થ કેરમાં મજબૂતિ અપેક્ષા કરતાં સારા પરિણામો રજૂ કરશે એવી શક્યતા છે. દરમિયાન, આઇટી ક્ષેત્ર નબળું રહ્યું. વૈશ્વિક વેચવાલી અને એઆઈને લગતી અનિશ્ચિતતાએ દબાણમાં વધારો કર્યો. અન્ય બજાર ક્ષેત્રોમાં પણ થોડી તેજી જોવા મળી. મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં થોડો ઘટાડો થયો.
નાયરે જણાવ્યું હતું કે, ઘરેલુ બજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ સુધરવાનો ફાયદો મળવાનું હવે શરૂ થયું છે. વિદેશી રોકાણકારોની ખરીદી હવે ફરી સકારાત્મક બની છે અને ઊંચા જીડીપી અંદાજ અને ભારતીય બજારમાં નરમ મૂલ્યાંકનને કારણે તે ચાલુ રહેવાની અપેક્ષા છે.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સના શેરોમાં ટીસીએસ સૌથી વધુ ઘટ્યો હતો, જે 2.46% ઘટીને બંધ થયો હતો. ઇન્ફોસિસ, એચસીએલ ટેક, એટરનલ, આઇટીસી, ટેક મહિન્દ્રા, ટાઇટન અને એચડીએફસી બેંક મુખ્ય ઘટનારા શેરોમાં સામેલ હતા. બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના શેર 3 ટકાથી વધુ વધ્યા, જે ટીસીએસને પાછળ છોડીને માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી કંપની બની. મારુતિ સુઝુકી અને ટ્રેન્ટ પણ આજે મુખ્ય ઉછાળામાં સામેલ હતા.
બ્રોડર માર્કેટમાં નિફ્ટી મીડ કેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સ ક્રમશઃ 0.03 ટકા, અને 0.02 ટકા વધીને બંધ રહ્યા હતાં. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી હેલ્થકેરમાં સૌથી વધુ ૧.૬૨ ટકાનો વધારો થયો હતો, ત્યારબાદ નિફ્ટી ઓટોમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો. નિફ્ટી આઇટી સૌથી નબળું પ્રદર્શન કરતું ક્ષેત્ર હતું, જેમાં 1.76 ટકાનો ઘટાડો થયો હતો.
વૈશ્વિક સંકેતો
બુધવારે એશિયન બજારોમાં તેજી રહી. જાપાનનો ઈન્ડેક્સ નિક્કી મજબૂત તેજી સાથે ઉપરમાં કામકાજ કરી રહ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના બજારોમાં પણ હળવો થી મધ્યમ વધારો જોવા મળ્યો. તાજેતરના ટ્રેડિંગ સત્રોમાં યુએસ બજારોમાં મિશ્ર ભાવના વચ્ચે એશિયન બજારોમાં આ મજબૂતી જોવા મળી છે.
યુએસ બજારોની વાત કરીએ તો, મંગળવારે S&P 500 અને નાસ્ડેકમાં ઘટાડો થયો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સતત ત્રીજા દિવસે રેકોર્ડ સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની ધારણા પ્રમાણે ડિસેમ્બરના રિટેલ સેલ્સના આંકડા નબળાં આવ્યા તેની અસર જોવા મળી હતી. અહેવાલ મુજબ, બજારને સુધારાની અપેક્ષાઓ હોવા છતાં, ગ્રાહક ખર્ચમાં વધારો થયો નથી. રોકાણકારો હવે આગામી યુએસ શ્રમ બજારના ડેટા પર નજર રાખી રહ્યા છે.

