મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજાર ફરી ધડામ, ટ્રમ્પના ટેરિફ બોમ્બની થઈ અસર; સેન્સેક્સે 80 હજારનું લેવલ તોડ્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદતા શેરબજાર કડડભ

શેરબજાર ફરી ધડામ, ટ્રમ્પના ટેરિફ બોમ્બની થઈ અસર; સેન્સેક્સે 80 હજારનું લેવલ તોડ્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદતા શેરબજાર કડડભૂસ થયા છે. સેન્સેક્સ 520 પોઈન્ટના કડાકા સાથે 80,000નું લેવલ તોડવાની તૈયારીમાં છે. જે 564.94 પોઈન્ટના કડાકા સાથે 80,000નું લેવલ તોડી 79,979.05 થયો હતો. રોકાણકારોની મૂડીમાં આજે વધુ 3 લાખ કરોડનો ઘટાડો થયો છે.

નિફ્ટી 24,500નું લેવલ તોડ્યું

નિફ્ટી 50 પણ આજે અત્યંત મહત્ત્વનું 24,500નું લેવલ તોડી 24,387.55ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. 11:19 વાગ્યે નિફ્ટી 153.25 પોઈન્ટ તૂટી 24,428.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 264.70 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં કડાકાનું કારણ

ટ્રમ્પનો ટેરિફ બોમ્બઃ ટ્રમ્પે અગાઉ 1 ઓગસ્ટના રોજ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ગઈકાલે વધુ 25 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જેના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. રશિયા પાસેથી ક્રૂડની આયાત બદલ ટ્રમ્પે નવી દિલ્હી પર અનેક પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે. જેમાં ટેક્સટાઈલ, મરીન, લેધર અને ફાર્મા નિકાસો પર અસર થવાની ભીતિ સાથે આ સેક્ટરના શેર્સ ગગડ્યા છે.

FII વેચવાલીઃ ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) એ બુધવારે રૂ. 4999.10 કરોડની વેચવાલી નોંધાવી હતી. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે માર્કેટ અસ્થિર બન્યું છે. સ્થાનિક બજારો પર પ્રેશર વધતાં વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી રહ્યા છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારોઃ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. આજે બ્રેન્ટ ક્રૂડ 1 ટકા ઉછળી 67.56 ડોલર પ્રતિ બેરલ થયુ હતું. ક્રૂડના વધતા ભાવો ભારતના આયાત બિલ પર બોજો વધારી શકે છે. 

આ સમાચાર શેર કરો