Sensex Closing Today: ભારત-અમેરિકા વેપાર કરારની અસર: SBIના શેરમાં 7.5 ટકાનો ઉછાળો, જાણો નિફ્ટીના ટોપ ગેનર્સ

Sensex Closing Today: આજ ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત જોશ ભેર થઇ હતી. ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર માળખા (ફ્રેમ વર્ક) અંગે સકારાત્મક સેન્ટિમેન્ટ અને એશિયન બજારોમાંથી મજબૂત સંકેતોને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો.
મુખ્ય ઈન્ડેક્સ વધીને બંધ થયા. બીએસઈ સેન્સેક્સ 485.35 પોઈન્ટ અથવા 0.58 ટકા વધીને 84,065.75 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 173.60 પોઈન્ટ વધીને 25,867.30 પર બંધ થયો, જે 0.68 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન, રોકાણકારોએ એક જ સત્રમાં ₹6 લાખ કરોડનો નફો કર્યો. આનું કારણ એ હતું કે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂપિયા 467 લાખ કરોડથી વધીને રૂપિયા 473 લાખ કરોડ થયું હતું.
બેંકિંગ શેરોએ બજારને સૌથી મોટો ટેકો પૂરો પાડ્યો. આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના શેરમાં 7.57%નો ઉછાળો આવ્યો. કોટક મહિન્દ્રા બેંકમાં પણ 1.33%નો ઉછાળો આવ્યો. ટાઇટન કંપનીના શેર 3.10% વધીને બંધ થયા.
અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 2.36%નો ઉછાળો રહ્યો, જ્યારે આઇટી સેક્ટર ધીમું રહ્યું. ટીસીએસ, એચસીએલ ટેક અને ઈન્ફોસિસ જેવા મુખ્ય શેરોમાં માત્ર સાધારણ વધારો અથવા થોડો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, એનટીપીસી 1.05% અને પાવરગ્રીડ 1.31% ઘટીને બંધ થયા.
નિફ્ટી ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી 50 કંપનીઓમાં એસબીઆઇએ સૌથી વધુ 7.64 ટકાનો વધારો જોયો. આ પછી, શ્રીરામ ફાઇનાન્સમાં 6.04 ટકા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં 3.16 ટકા, ટાઇટન કંપનીમાં 3.10 ટકા અને ડૉ. રેડ્ડીઝમાં 2.81 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન મેક્સ હેલ્થકેરને થયું હતું, તેમાં 2.88 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનટીપીસી 1.06 ટકા, પાવર ગ્રીડ 1.03 ટકા, આઇટીસી 0.93 ટકા અને ઓએનજીસી 0.84 ટકા ઘટ્યા.
શુક્રવારે, ભારત અને અમેરિકાએ ટેરિફ ઘટાડવા, ઊર્જા સહયોગને મજબૂત બનાવવા અને આર્થિક ભાગીદારીને આગળ વધારવાના હેતુથી એક વચગાળાના વેપાર માળખાની જાહેરાત કરી.
એચડીએફસી સિક્યોરિટીઝના પ્રાઇમ રિસર્ચના વડા દેવરાજ વકીલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે દસ મહિનાથી ચાલી રહેલા ટેરિફ વિવાદનો અંત આવ્યો છે અને અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડી દીધો છે. તેમણે કહ્યું કે ભારતે સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોનું રક્ષણ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ઊર્જા, વિમાન અને સંરક્ષણ ટેકનોલૉજી સહિત ચોક્કસ ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ખરીદી પણ બજાર માટે સકારાત્મક સાબિત થઈ. શુક્રવારે, એફઆઈઆઈએ ઇક્વિટી માર્કેટમાં રૂપિયા 1,950.77 કરોડની ચોખ્ખી ખરીદી કરી. જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે: ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં વિદેશી ભંડોળના પ્રવાહમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં એફઆઈઆઈ ચોખ્ખા ખરીદદારો બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ચલણની ગતિવિધિઓએ પણ સેન્ટિમેન્ટ સુધારવામાં ભૂમિકા ભજવી છે.
પોઝિટિવ વૈશ્વિક સંકેતોઃ
આજે વૈશ્વિક સંકેતો પણ મજબૂત રહ્યા હતાં. એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 225, દક્ષિણ કોરિયાનો કોસ્પી, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો પણ 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા.
ક્રુડ ઓઈલના ભાવઃ
વધુમાં, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારતીય શેરબજારને પણ રાહત મળી. બ્રેન્ટ ક્રૂડ 0.94% ઘટીને $67.41 પ્રતિ બેરલ થયું. ક્રૂડ ઓઈલના નીચા ભાવ ફુગાવાના દબાણને હળવું કરવામાં અને આયાત બિલ ઘટાડવામાં મદદ કરે છે, જે ઇક્વિટી બજારને ટેકો આપે છે.
ક્યા સેક્ટરની સ્થિતિ કેવી રહી?
ક્ષેત્રીય કામગીરીને જોતાં, પીએસયુ બેંક ઈન્ડેક્સ 3.34 ટકા વધ્યો. મીડિયા સેક્ટરે 4.37 ટકાનો મજબૂત ઉછાળો નોંધાવ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.60 ટકા, રિયલ્ટી 2.61 ટકા અને મેટલ ઈન્ડેક્સ 1.56 ટકા વધ્યો. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ 1.50 ટકાનો વધારો થયો હતો. આઈટી ઈન્ડેક્સ મોટાભાગે સ્થિર રહ્યો હતો, જેમાં 0.02 ટકાનો નજીવો વધારો થયો હતો. ઓટો સેક્ટરમાં 0.99 ટકા, બેંક ઈન્ડેક્સમાં 0.91 ટકા અને નાણાકીય સેવાઓમાં 1.25 ટકાનો વધારો થયો હતો.
મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી, જેમાં નિફ્ટી મિડકેપ 100 1.58%, સ્મોલકેપ 100 2.64% અને નિફ્ટી 500 1.06% વધ્યા. નેક્સ્ટ 50 ઈન્ડેક્સ 0.97% વધીને બંધ થયો, અને માઈક્રોકેપ ઈન્ડેક્સ 2.59% વધ્યો. એકંદરે, બજારમાં વ્યાપક તેજી જોવા મળી, જેનું નેતૃત્વ મીડિયા, પીએસયુ બેંકો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ક્ષેત્રોએ કર્યું.

