ભારતમાં NRIનો પ્રોપર્ટી ખરીદીમાં વધતો રસ: મુંબઈ, બેંગલુરુ સહિત આ 5 શહેરો બન્યાં પહેલી પસંદ

ભારતનું રિયલ એસ્ટેટ (Real Estate) માર્કેટ વિદેશમાં વસતા ભારતીયો એટલે કે NRI (Non-Resident Indians) માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જોકે, NRI ખરીદદારોની પસંદગી અને મિલકત ખરીદવા પાછળનાં કારણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ ઘણા લોકો ભારતમાં મકાન કે ફ્લેટ ખરીદવાને રોકાણ (Investment) અને મિલકતના ભાવમાં વધારા દ્વારા નફો મેળવવાની તક તરીકે જોતા હતા. હવે તેઓ કનેક્ટિવિટી (Connectivity), બાંધકામની ગુણવત્તા (Construction Quality), ભાડાની આવક (Rental Income) અને આરોગ્ય સુવિધાઓ (Healthcare Facilities)ને પણ મહત્ત્વ આપી રહ્યા છે. વિદેશમાં રહેતા અનેક ભારતીય પરિવારો માટે ભારતમાં ઘર ખરીદવું હવે માત્ર સંપત્તિ ઊભી કરવાનો નિર્ણય નથી. માતા-પિતા માટે આરામદાયક રહેઠાણ, પરિવાર સાથે જોડાયેલા રહેવાની તક અને ભવિષ્યમાં પોતાના ઉપયોગ માટે ઘર હોવું પણ મહત્ત્વનું બની રહ્યું છે. મુંબઈ, બેંગલુરુ, દિલ્હી-NCR, પુણે અને હૈદરાબાદ NRI ખરીદદારોની પસંદગીમાં સામેલ છે.
1. મુંબઈ: આર્થિક રાજધાનીનું આકર્ષણ
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) NRI રોકાણકારો માટે મહત્ત્વનું બજાર છે. દેશની આર્થિક રાજધાની તરીકેની ઓળખ, આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ અને વિવિધ પ્રકારની રહેણાક મિલકતોને કારણે અહીં ખરીદદારોનો રસ છે. મેટ્રોપોલિટન વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure)ના વિકાસથી પરંપરાગત મોંઘા વિસ્તારો ઉપરાંત નવા રહેણાક વિસ્તારોમાં પણ ખરીદીની તકો ઊભી થઈ રહી છે.
2. બેંગલુરુ: IT સેક્ટરને કારણે માંગ
બેંગલુરુનું ટેક્નોલોજી અને IT ક્ષેત્ર NRI ખરીદદારોને આકર્ષે છે. વ્હાઇટફિલ્ડ, સરજાપુર અને નોર્થ બેંગલુરુ જેવા વિસ્તારોમાં લાંબા ગાળાના રોકાણ અને પોતાના ઉપયોગ માટે ઘર ખરીદવામાં રસ જોવા મળી રહ્યો છે. શહેરમાં રોજગારની તકોને કારણે ભાડાના મકાનોની માંગ પણ જળવાઈ રહે છે.
3. દિલ્હી-NCR: ગુરુગ્રામ બન્યું પસંદગીનું કેન્દ્ર
દિલ્હી-NCRમાં ખાસ કરીને ગુરુગ્રામમાં પ્રીમિયમ હાઉસિંગ પ્રોજેક્ટ્સ (Premium Housing Projects), કોર્પોરેટ ઓફિસો અને સુધરતી કનેક્ટિવિટી NRI ખરીદદારોને આકર્ષે છે. આ ઉપરાંત, રાજધાની વિસ્તારમાં પરિવારજનો રહેતા હોય તેવા NRI માટે તેમની નજીક ઘર ખરીદવું પણ મહત્ત્વનો નિર્ણય છે.
4. પુણે: શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનું આકર્ષણ
પુણેમાં રોજગારની તકો, શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવાથી NRI ખરીદદારો માટે આ શહેર એક વિકલ્પ બની રહ્યું છે. મુંબઈની નજીક હોવું અને પ્રમાણમાં શાંત જીવનશૈલી પણ તેની પસંદગી પાછળનાં કારણો છે. અહીં ખરીદેલી મિલકતનો ઉપયોગ રોકાણ અને પોતાના રહેઠાણ બંને માટે થઈ શકે છે.
5. હૈદરાબાદ: ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વધતો રસ
હૈદરાબાદમાં IT અને હેલ્થકેર ક્ષેત્રના વિકાસ સાથે રહેણાક મિલકતોની માંગ વધી રહી છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં, આઉટર રિંગ રોડ (Outer Ring Road-ORR) સાથે જોડાયેલા રહેણાક વિસ્તારોમાં NRI ખરીદદારો રસ દાખવી રહ્યા છે. રોજગારનાં મુખ્ય કેન્દ્રો સુધી સરળ પહોંચ પણ અહીં મહત્ત્વનું પરિબળ છે.
હવે માતા-પિતાની સુવિધા પણ ખરીદીનું કારણ
અમાયા સિનિયર લિવિંગ (Amaya Senior Living)ના સહ-સ્થાપક અરુદ્રદેવ રાવે જણાવ્યું હતું કે, અનેક NRI પરિવારો માટે ભારતમાં ઘર ખરીદવાનો નિર્ણય હવે માત્ર રોકાણ પૂરતો રહ્યો નથી. માતા-પિતા ક્યાં રહેશે, તેઓ કેટલી સ્વતંત્રતાથી જીવન જીવી શકશે અને તેમની આસપાસનું વાતાવરણ કેવું હશે, તે બાબતો પણ નિર્ણયને પ્રભાવિત કરે છે. તેમના મતે, આરોગ્ય સેવાઓ ઉપરાંત રહેણાકની સુવ્યવસ્થિત ડિઝાઇન, સામાજિક જોડાણ (Social Connection), ખુલ્લી જગ્યાઓ, સારી સુવિધાઓ અને જરૂરિયાતના સમયે સહાય ઉપલબ્ધ હોવી પણ મહત્ત્વપૂર્ણ છે. આમ, NRI ખરીદદારોની બદલાતી પસંદગી ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા ટ્રેન્ડને દર્શાવે છે. હવે માત્ર મકાન કે ફ્લેટ નહીં, પરંતુ સુરક્ષિત, સુવિધાજનક અને પરિવારની જરૂરિયાતોને અનુરૂપ રહેણાક વ્યવસ્થા પણ ખરીદીના નિર્ણયમાં મહત્ત્વનો ભાગ બની રહી છે.









