RIL AGMમાં 'રિલાયન્સ ઇન્ટેલિજન્સ'નો પ્રારંભ, ગૂગલ- મેટા સાથે મળી AI યુનિટ કર્યું લોન્ચ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે તેની વાર્ષિક સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને રિલાયન્સના AI

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે તેની વાર્ષિક સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને રિલાયન્સના AI યુનિટ 'રિલાયન્સ ઇન્ટેલિજન્સ'નો પ્રારંભ કર્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ને પ્રોત્સાહન આપવા માટે એક નવું યુનિટ રિલાયન્સ ઇન્ટેલિજન્સ નામથી શરૂ કર્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાના ટેલિકોમ, રિટેલ અને ઉર્જા વ્યવસાયોની સાથે જૂથને "ડીપ-ટેક વેન્ચર" બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે અને આ એઆઇ યુનિટ તેની શરૂઆત છે.
કંપની એઆઇ યુનિટ માટે ચાર મિશન પર કામ કરશે
૧. જામનગરમાં ગીગાવોટ-સ્કેલ, એઆઇ-રેડી ડેટા સેન્ટરનું નિર્માણ.
૨. મોટી ટેક કંપનીઓ અને ઓપન-સોર્સ સમુદાય સાથે જોડાણ.
૩. શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને નાના વ્યવસાય ક્ષેત્રોમાં એઆઇ સેવાઓ શરૂ કરવી.
૪. ભારતમાં વિશ્વ કક્ષાની એઆઇ પ્રતિભાને આકર્ષવી.
ગૂગલ સાથે ભાગીદારી
આને સાકાર કરવા માટે રિલાયન્સે સિલિકોન વેલી તરફ નજર દોડાવી છે. અંબાણીએ સુંદર પિચાઇના નેતૃત્વમાં એક ભાગીદારીની જાહેરાત કરી. આ સહયોગ રિલાયન્સની ગ્રીન એનર્જી દ્વારા સંચાલિત એક સમર્પિત જામનગર ક્લાઉડ ક્ષેત્ર સ્થાપિત કરશે અને મોટા પાયે બજાર વપરાશ માટે એઆઇ સ્માર્ટફોન અને વિસ્તૃત વાસ્તવિકતા ઉપકરણોનો સહ-વિકાસ કરશે.
"અમે રિલાયન્સ સાથે દાયકા જૂની ભાગીદારી પર નિર્માણ કરી રહ્યા છીએ જેથી એઆઇ સાથે આગામી છલાંગ લગાવી શકાય." સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, ગૂગલ ક્લાઉડ રિલાયન્સના સૌથી મોટા પબ્લિક ક્લાઉડ પાર્ટનર અને તેના એઆઇ અપનાવવાનો આધાર બનશે.
રિલાયન્સ ભારતીય બિઝનેસ અને સરકારી સંસ્થાઓ માટે અનુકૂળ એવું સોવરિન કસ્ટમાઇઝ્ડ, એન્ટરપ્રાઇઝ-રેડી એઆઇ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મેટા સાથે સંયુક્ત સાહસ કરી રહ્યું છે. આ ભાગીદારી મેટાના ઓપન-સોર્સ લામા મોડેલને ઊર્જા, ટેલિકોમ, રિટેલ અને ઉત્પાદન ક્ષેત્રોમાં રિલાયન્સની પહોંચ સાથે જોડશે.
મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, "આપણે સાથે મળીને ખાતરી કરવા માંગીએ છીએ કે ભારતમાં દરેકને એઆઇ - અને અંતે સુપરઇન્ટેલિજન્સ સુધી એક્સેસ મળે," તેમણે સંયુક્ત સાહસનું એક એવું મોડલ બતાવ્યું કે કેવી રીતે ઓપન સોર્સ એઆઇનો સુરક્ષિત રીતે વિસ્તાર કરી શકાય.








