મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

દેશના ઝવેરીબજારોમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી, સોનું રૂ. 80 હજાર, ચાંદી રૂ. 96 હજારની સપાટી કૂદાવી

દિવાળીનું મહાપર્વ નજીક આવી રહ્યું છે તેમ બજારોમાં નવી રોનક જોવા મળી રહી છે. દિવાળીપહેલાં ભારતના સો

દેશના ઝવેરીબજારોમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી, સોનું રૂ. 80 હજાર, ચાંદી રૂ. 96 હજારની સપાટી કૂદાવી

દિવાળીનું મહાપર્વ નજીક આવી રહ્યું છે તેમ બજારોમાં નવી રોનક જોવા મળી રહી છે. દિવાળીપહેલાં ભારતના સોના-ચાંદી બજારમાં એક નવો ઇતિહાસ રચાયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે સોનાએ રૂ. 80,000ની  સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. તો બીજી તરફ મુંબઈ સોના-ચાંદી બજાર આજે બંધ હોવા છતાં પણ ચાંદીએ રૂ. 96000ની સપાટી કૂદાવી હતી. જ્યારે અમદાવાદમાં 95000ની સપાટી કૂદાવી હતી આમ આજે બંને કીમતી ધાતુમાં દિવાળી પૂર્વે નવો ઇતિહાસ રચાયો હતો.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 2714થી 2715 વાળા વધુ વધી 2721થી 2722 ડોલરની નવી ઉંચી ટોચે પહોંચી ગયા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના 32.29થી 32.30  વાળા વધુ ઉછળી ઉંચામાં 33 ડોલર પાર કરી 33.76 થઈ છેલ્લે ભાવ 33.71 થી 33.72 ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. 

વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી ઝડપી ગતીએ આગળ વધતી જોવા મળી હતી. અમદાવાદ સોનાના ભાવ આજે 10 ગ્રામના વધુ રૂ.500 વધી રૂ.80 હજારની સપાટી પાર કરી 99.50 ના રૂ.80100  તથા 99.90 ના  રૂ.80300  બોલાયા હતા. 

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહીહતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ વિક્રમ તેજી આગળ વધી હતી.  મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂ.૭૭૧૦૦ વાળા રૂ.77450  તથા 99.90 ના ભાવ રૂ.77410  વાળા  રૂ.77750 બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

ચાંદીના ભાવમાં આજે વિશેષ તેજી જોવા મળી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ કિલોના  રૂ.3000 ઉછળી રૂ.95500 ને આંબી ગયા હતા જ્યારે મુંબઈ બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.92283 વાળા ઉછળી રૂ.96750 બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રૂ.99650 આસપાસ બોલાતાં મુંબઈ બજારમાં જીએસટી સાથેના ચાંદીના ભાવ આજે વધી રૂ.એક લાખની સપાટી નજીક પહોંચી ગયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ 103.65  વાળા ઘટી 103.46  રહ્યાના સમાચાર હતા. 

અમેરિકામાં વાર્ષિક બજેટની ખાધ વધી 1.80 ટ્રીલીયન ડોલર આવ્યાની ચર્ચા હતી. ત્યાં રિટેલ સેલના આંકડા સારા આવતાં તથા બેરોજગારીના દાવા ઘટતાં અને જોબ માર્કેટ મજબુત બનતાં ત્યાં આગળ ઉપર વ્યાજ દરમાં ઘટાડો અપેક્ષાથી વધુ આવવાની શક્યતા જાણકારો હવે બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉંચકાઈ હતી. પ્લેટીનમના ભાવ 1016  ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ 1085  ડોલર રહ્યા હતા. કોપરના ભાવ છેલ્લે 1.38 ટકા પ્લસમાં હતા. જોકે વિશ્વબજારમાં વિવિધ કોમોડિટીઝના ભાવ વધી આવ્યા હતા ત્યારે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના 74.46 વાળા નીચામાં 72.50  થઈ છેલ્લે 73.06  ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ 70.82 વાળા નીચામાં 68.69 થઈ છેલ્લે ભાવ 69.22 ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

આ સમાચાર શેર કરો