મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજાર માટે અશુભ રહ્યો ઓકટોબર મહિનો, રોકાણકારોને થયું 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટો કડાકો નોંધાતા ઇન્ડેક્સ 1.25 ટકા સુધી તૂટ્યા છે. આજે એક દિવસ

શેરબજાર માટે અશુભ રહ્યો ઓકટોબર મહિનો, રોકાણકારોને થયું 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટો કડાકો નોંધાતા ઇન્ડેક્સ 1.25 ટકા સુધી તૂટ્યા છે. આજે એક દિવસમાં જ રોકાણકારોની મૂડી રૂ. 8.64 લાખ કરોડ ઘટી છે. જ્યારે છેલ્લા બે દિવસમાં ડબલ ડિજીટ 13.14 લાખ કરોડનું નુકસાન થયું છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી 29.85 લાખ કરોડ ગુમાવ્યા છે.

સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો

સેન્સેક્સ આજે ઇન્ટ્રા ડે 1,354.71 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 930.55 પોઈન્ટ તૂટી 80,220.72ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 309 પોઈન્ટના કડાકા સાથે 24,500નું અતિ મહત્ત્વનું સપોર્ટ લેવલ તોડી 24,472.10 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં એકમાત્ર ICICI બેંક 0.67 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. તે સિવાય તમામ 28 શેર્સમાં 3.62 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઇન્ફોસિસ સ્ટેબલ રહ્યો હતો. BSE ખાતે આજે 601 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે.

માર્કેટમાં ઘટાડા પાછળનું કારણ

નબળા ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સહિતના પરિબળોના કારણે ભારતીય શેરબજાર પર મંદીનું જોર વધ્યું છે. એફઆઇઆઇએ ઓક્ટોબરમાં ગઈકાલ સુધીમાં કુલ રૂ. 82,479.7 કરોડનું ફંડ પાછું ખેંચી લીધું છે. ચીનના રાહત પેકેજના કારણે આર્થિક રિકવરીની અપેક્ષાએ વિદેશી રોકાણકારો નીચા ભાવે ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે. જો કે, સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 77,402 કરોડની ખરીદી નોંધાવી માર્કેટને મોટા કડાકાથી બચાવ્યું છે.

ઓલટાઈમ હાઈથી કડડભૂસ

સેન્સેક્સ અને નિફ્ટી 27 સપ્ટેમ્બરના રોજ તેની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. જ્યાંથી માર્કેટમાં હાઈ વોલેટિલિટી વચ્ચે આજના બંધ સામે 6 ટકાથી વધુ તૂટ્યા છે. રોકાણકારોને પણ 32 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ ઓક્ટોબરમાં 4 ટકા અને નિફ્ટી 5 ટકા તૂટ્યો છે. 

સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો

વિગત 27 સપ્ટેમ્બર-24 22 ઓક્ટોબર-24 કડાકો
સેન્સેક્સ 85,978.25 80,220.72 6.69 ટકા
નિફ્ટી 26,277.35 24,472.1 6.87 ટકા
માર્કેટ કેપ 477.93 445.01 રૂ. 32.92 લાખ કરોડ

સ્થાનિક શેરબજારમાં ઊંચી વોલેટિલિટીના પગલે મંદીનું જોર વધ્યું છે. સ્મોલ કેપ અને મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. ઓટો અને રિયાલ્ટી શેર્સ પણ તૂટ્યા છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ, ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ વચ્ચે માર્કેટમાં મંદી જોવા મળી છે. ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષા કરતાં નબળા રહેતા તેમજ RBI દ્વારા બીજા ત્રિમાસિકમાં સ્લોડાઉન રહેવાનો સંકેત સહિત વિવિધ પરિબળો માર્કેટને અસર કરી રહ્યા હોવાનું જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું છે. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવા સલાહ આપી રહ્યા છે.

ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, જે રોકાણ અંગે સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં માર્કેટ નિષ્ણાત કે ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.

આ સમાચાર શેર કરો