હવે દુબઈ અને સિંગાપોરમાં પણ ચાલશે UPI! બુર્જ ખલીફાથી લઈને યુનિવર્સલ સ્ટુડિયોની ટિકિટ કરી શકશો બુક

શું તમે આગામી સમયમાં વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? જો તમે દુબઈ અથવા સિંગાપોર જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે દુબઈ અને સિંગાપોરમાં પણ ભારતીય પેમેન્ટ સિસ્ટમ UPI દ્વારા ચૂકવણી કરી શકાશે. ખાસ વાત એ છે કે જો તમે દુબઈ જઈ રહ્યા છો, તો UPIની મદદથી બુર્જ ખલીફાની ટિકિટ બુક કરી શકશો. જ્યારે સિંગાપોરમાં યુનિવર્સલ સ્ટુડિયોની ટિકિટ પણ UPIથી ખરીદી શકાશે.
આ નવી સુવિધા શરૂ થતાં ભારતીય પ્રવાસીઓએ વિદેશમાં જઈને પેમેન્ટ કરવા માટે આંતરરાષ્ટ્રીય ડેબિટ કે ક્રેડિટ કાર્ડ અથવા અન્ય પેમેન્ટ વિકલ્પો પર નિર્ભર રહેવું નહીં પડે. નાણાં મંત્રાલયે 30 ઓક્ટોબર, 2026ના રોજ આ નવી સુવિધા અંગે માહિતી આપી હતી. આ પહેલનો મુખ્ય હેતુ વિદેશ પ્રવાસ દરમિયાન ભારતીય પ્રવાસીઓ માટે ટિકિટ બુકિંગ અને પેમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
આ જગ્યાઓ પર UPIથી પેમેન્ટ કરી શકાશે
આ નવી સુવિધા હેઠળ હાલમાં દુબઈ અને સિંગાપોરનાં મુખ્ય પ્રવાસન સ્થળો પર ઓનલાઈન બુકિંગ માટે UPIથી પેમેન્ટ કરી શકાશે. આ યાદીમાં દુબઈનું બુર્જ ખલીફા, સિંગાપોરનું યુનિવર્સલ સ્ટુડિયો, ઓશનેરિયમ અને એડવેન્ચર કોવ વોટરપાર્કનો સમાવેશ થાય છે.
એટલે કે, જો તમે આમાંથી કોઈપણ સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો ટિકિટ ખરીદતી વખતે ભારતીય UPIનો ઉપયોગ કરીને સરળતાથી પેમેન્ટ કરી શકશો.
બુર્જ ખલીફાની ટિકિટ આ રીતે બુક કરશો
જો તમે દુબઈ ફરવા જઈ રહ્યા છો અને બુર્જ ખલીફાની મુલાકાત લેવાનું આયોજન છે, તો નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને ટિકિટ બુક કરી શકશો.
1 સૌથી પહેલાં બુર્જ ખલીફાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
2 અહીં તમારી પસંદગી અનુસાર સિલ્વર, ગોલ્ડ અથવા પ્લેટિનમ ટિકિટ પેકેજ પસંદ કરો.
3 ત્યારબાદ 'બુક નાઉ' પર ક્લિક કરો. અહીં તમને મુલાકાતની તારીખ અને સમય પસંદ કરવાનો વિકલ્પ મળશે.
4 જરૂરી તમામ વિગતો ભરીને 'એડ ટુ કાર્ટ' પર ક્લિક કરો.
5 ત્યારબાદ ચેકઆઉટના વિકલ્પમાં પેમેન્ટ માટે UPI પસંદ કરો અને ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરો.
ભારતીય પ્રવાસીઓને થશે આ ફાયદો
આ નવી સુવિધાથી વિદેશ પ્રવાસે જતા ભારતીયોને ઘણી રાહત મળશે. અત્યાર સુધી વિદેશમાં ટિકિટ ખરીદવા કે અન્ય ચૂકવણી કરવા માટે ઘણીવાર આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની જરૂર પડતી હતી. પરંતુ હવે પ્રવાસીઓ પોતાની સામાન્ય UPI એપની મદદથી જ પેમેન્ટ કરી શકશે.
આનાથી ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ બનશે અને વિદેશી પ્રવાસન સ્થળો પર ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ પણ વધશે. ખાસ કરીને દુબઈ અને સિંગાપોર ફરવા જતા ભારતીય પ્રવાસીઓ માટે આ સુવિધા ઉપયોગી સાબિત થઈ શકે છે.









