હવે WhatsApp પર જ જાણી શકાશે PF બેલેન્સ અને પાસબુકની વિગતો, EPFOએ શરૂ કરી નવી સેવા

હવે WhatsApp પર જ જાણી શકાશે PF બેલેન્સ અને પાસબુકની વિગતો, EPFOએ શરૂ કરી નવી સેવા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે મહત્વના સમાચાર છે. હવે કર્મચારીઓ પોતાના પ્રોવિડન્ટ ફંડ (PF) બેલેન્સ, પાસબુક અને છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શનની વિગતો WhatsApp મારફતે મેળવી શકશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે EPFOની નવી ડિજિટલ સુવિધાઓનો પ્રારંભ કર્યો હતો. આ પહેલનો હેતુ સભ્યોને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો અને કચેરીઓની મુલાકાત ઘટાડવાનો છે. EPFOની વેરિફાઇડ WhatsApp સર્વિસ દ્વારા સભ્યો પોતાનું PF બેલેન્સ, તાજેતરના વ્યવહારો અને પાસબુક જોઈ શકશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળની એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજના અંગે વ્યક્તિગત માર્ગદર્શન અને સહાય પણ મેળવી શકશે. EPFOના જણાવ્યા અનુસાર, આ સેવા પરિચિત મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા રોજિંદી સેવાઓને વધુ સુલભ બનાવશે.

₹1,000 સુધીના નિષ્ક્રિય PF ખાતાનું ઓટોમેટિક સેટલમેન્ટ

EPFOએ બીજી મહત્વની સુવિધા તરીકે નિષ્ક્રિય (Inoperative) PF ખાતાઓનું ઓટોમેટિક સેટલમેન્ટ શરૂ કર્યું છે. આધારથી વેરિફાઇડ એવા નિષ્ક્રિય ખાતાઓમાં ₹1,000 સુધીની બાકી રકમ હોય તો નિર્ધારિત ઓળખ અને બેંક ખાતાની ચકાસણી બાદ સભ્યે અલગથી ક્લેમ કરવાની જરૂર નહીં પડે. રકમ સીધી યોગ્ય લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સુવિધાથી અંદાજે એક લાખ ખાતાઓને લાભ થવાની અને કુલ ₹5 કરોડની રકમ ચૂકવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે EPFO પાસે 34 કરોડથી વધુ કુલ સભ્યો અને 8 કરોડથી વધુ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ છે. સંસ્થા આશરે ₹32 લાખ કરોડનું નિવૃત્તિ ભંડોળ સંભાળે છે. EPFOના 74મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં કામદારો પ્રત્યે સંવેદનશીલતા અને તેમની ફરિયાદોનું સહાનુભૂતિપૂર્વક નિરાકરણ મહત્વનું છે. શ્રમ સચિવ ચંદ્ર ભૂષણ કુમારે પણ સંગઠિત ક્ષેત્રની સાથે અસંગઠિત ક્ષેત્રના કામદારો સુધી સામાજિક સુરક્ષાની સુવિધાઓ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત