WhatsAppમાં 4 નવા ફીચર્સ, હવે ગ્રુપમાં નવા મેમ્બર પણ વાંચી શકશે જૂની ચેટ્સ; જાણો બીજું શું નવું મળશે

WhatsApp તેના કરોડો યુઝર્સ માટે ચેટિંગ અનુભવને સુધારવા માટે સતત નવા ફીચર રજૂ કરી રહ્યું છે. આ શ્રેણીમાં કંપનીએ હવે ગ્રુપ ચેટ્સ માટે ચાર નવા ફીચર્સ રજૂ કરવાનું શરૂ કર્યું છે. આ નવા ફીચર્સ ગ્રુપમાં મહત્ત્વપૂર્ણ મેસેજ શોધવાનું, નવા મેમ્બર સાથે જૂના મેસેજ શેર કરવાનું અને વિવિધ ગ્રુપ માટે અલગ અલગ સ્ટેટસ સેટ કરવાનું સરળ બનાવે છે.
ખાસ વાત એ છે કે આ ફીચર્સથી મોટા WhatsApp ગ્રુપનું સંચાલન પણ સરળ બનાવ્યું છે. જોકે, આ ફીચર્સનો રોલઆઉટ હમણાં જ શરૂ થયો છે, તેથી તે દરેક સુધી પહોંચવામાં થોડા દિવસો લાગી શકે છે.
મેસેજ કાયમ માટે પિન કરો
WhatsApp ગ્રુપમાં મહત્ત્વપૂર્ણ મેસેજને પિન કરવાની ક્ષમતામાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. યુઝર્સ હવે સમય મર્યાદા વિના ચોક્કસ મેસેજને પિન કરી શકે છે. આનાથી ગ્રુપમાં નવા મેસેજ વચ્ચે મહત્ત્વપૂર્ણ વિગતો ગુમાવવાનો ભય દૂર થશે. ગ્રુપ મેમ્બર્સ સરળતાથી પિન કરેલો મેસેજ ચકાસી શકશે.
નવા મેમ્બર્સ પણ જૂની ચેટ્સ વાંચી શકશે
કંપનીએ હવે નવા મેમ્બર્સ સાથે અગાઉની ચેટ્સના મેસેજ શેર કરવાનું સક્ષમ બનાવ્યું છે. આ કરવા માટે ગ્રુપ એડમિનને જૂના મેસેજ પસંદ કરવા પડશે અને તેમને નવા મેમ્બર્સ સાથે શેર કરવા પડશે. આનાથી નવા મેમ્બર્સ ચેટના સંદર્ભને સમજી શકશે.
અલગ અલગ ગ્રુપ માટે અલગ સ્ટેટસ
WhatsApp યુઝર્સ હવે ચોક્કસ ગ્રુપ માટે અલગ સ્ટેટસ સેટ કરી શકશે. ઉદાહરણ તરીકે, જો તમે ઓફિસ અથવા ક્રિકેટ ગ્રુપ માટે અલગ અપડેટ આપવા માંગતા હોવ, તો આ સરળ બનશે. ફક્ત ચોક્કસ ગ્રુપના મેમ્બર્સ જ આ સ્ટેટસ જોઈ શકશે અને તેનો જવાબ આપી શકશે. આ સ્ટેટસ સામાન્ય અપડેટની જેમ 24 કલાક માટે રહેશે.
મહત્ત્વપૂર્ણ મેસેજ શોધવામાં સરળતા
WhatsAppમાં ચોથું ફીચર ગ્રુપ ચેટમાં મેસેજને ફિલ્ટર કરવાનું સરળ બનાવે છે. આ નવા ફીચ્ચ્ર સાથે યુઝર્સ ઉલ્લેખિત મેસેજ, તેમના પોતાના મેસેજ અને ચોક્કસ જવાબો સાથે મેસેજને અલગથી ચકાસી શકશે. આ લાંબા ગ્રુપમાં ચોક્કસ ચેટ શોધવામાં સમય બચાવશે.






