પૃથ્વી પર AI માટે જગ્યાના અભાવના કારણે અવકાશમાં ડેટા સેન્ટર સ્થાપવા માંગે છે ઈલોન મસ્ક

દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક અંતરીક્ષમાં ડેટા સેન્ટર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમણે તો 2027ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ લોંચ કરવાનો ટાર્ગેટ પણ સેટ કર્યો છે. જોકે, મસ્કના આ આઈડિયાને અત્યારના ટેકનોલોજી એક્સપર્ટ્સ તુક્કો ગણાવી રહ્યા છે. તેમના મતે હજુ એક દશકા સુધી આવી શક્યતા ખૂબ પાંખી છે. સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા સામે અનેક પડકારો અત્યારે છે અને પહેલાં એના જવાબો શોધવા પડશે.
ઈલોન મસ્ક ડેટા સેન્ટર્સ સ્પેસમાં બનાવીને અનેક ઉકેલ શોધવા માંગે છે. ડેટા સેન્ટર્સ સામે દુનિયાભરમાં વિરોધ વધતો જાય છે. કારણ કે તેની પાછળ ઈલેક્ટ્રિસિટી વધારે વપરાશે. કૂલિંગ માટે પાણીની જરૂર પડશે અને ડેટા સેન્ટર્સ માટે જમીનની પણ જરૂરિયાત પડે છે. AI ટેકનોલોજીના ઉદય પછી હવે ડેટા સેન્ટર્સની ડિમાન્ડ વધી છે. સતત વધતી જવાની છે. જો સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવામાં આવે તો એનર્જી ક્રાઈસિસ નિવારી શકાય છે. વળી, માતબર જમીનની જરૂરિયાત પણ રહેતી નથી. આ વિચાર સાથે ઈલોન મસ્કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિચાર્યો છે. 2027માં આ પ્રોજેક્ટ લોંચ થશે. સ્પેસએક્સ અને સ્ટારલિંક જેવી કંપનીઓની મદદથી મસ્ક આ પ્રોજેક્ટ પાર પાડવા ધારે છે.
કેટલાક એક્સપર્ટ્સ માને છે કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ માટે કૂલિંગની વ્યવસ્થા કરવી તે અત્યારે લગભગ અશક્ય જેવી વાત છે. સ્પેસની ડસ્ટથી ડેટા સેન્ટર્સને કેવી અને કેટલી અસર થશે એ કહી શકાય તેમ નથી. સ્પેસની હીટ અથવા તો ઉલ્કા સહિતના ફેક્ટર્સ પણ અવરોધક બની શકે છે.

