Economic Survey: અમેરિકી ટેરીફની નથી કોઈ ચિંતા, જાણો મજબૂત GDP વૃદ્ધિ પાછળના કારણો
દેશ માટે આ વર્ષના નાણાકીય બજેટ રજૂ થયા પહેલા અર્થતંત્ર સંબંધિત સારા સમાચાર છે. સંસદમાં નાણા

દેશ માટે આ વર્ષના નાણાકીય બજેટ રજૂ થયા પહેલા અર્થતંત્ર સંબંધિત સારા સમાચાર છે. સંસદમાં નાણામંત્રીએ રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ક્વાર્ટરમાં અમેરિકી ટેરિફની અસર હોવા છતાં નિકાસ અને ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. આનું કારણ એ છે કે સરકાર ટેરિફની અસર ઘટાડવા માટે સતત પગલાં લઈ રહી છે. યુએસ ટેરિફ, નબળી વૈશ્વિક માંગ અને ભૂ-રાજકીય તણાવની ભારતના આર્થિક વિકાસ પર ન્યૂનતમ અસર થઈ છે.
મજબૂત GDP વૃદ્ધિ પાછળના કારણો
આર્થિક સર્વેક્ષણ 2025-26ના નાણાકીય વર્ષ માટે દેશના અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ 26 માટે પ્રથમ એડવાન્સ અંદાજમાં ભારતનો GDP વૃદ્ધિદર 7.4% હતો, જે મુખ્યત્વે મજબૂત સ્થાનિક માંગને કારણે હતો. માળખાગત વિસ્તરણ અને સુધારેલા નાણાકીય શિસ્તને કારણે ભારતનો વિકાસ ટકાઉ રહ્યો છે. નાણાકીય વર્ષ 26માં રાજકોષીય ખાધ 4.8% રહેવાની ધારણા છે.
આર્થિક સર્વેક્ષણ મુજબ, ઘરેલુ માંગ ભારતના વિકાસની સૌથી મોટી તાકાત બની ગઈ છે. ગ્રામીણ અને શહેરી માંગમાં સંતુલન સધાયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સતત રોકાણ અને રોજગાર સાથે આવકની તકો વધી છે. રોડ- રસ્તાઓ, રેલ્વે, લોજિસ્ટિક્સ અને ડિજિટલ માળખાગત સુવિધાઓ પર સરકારી પ્રોત્સાહનોથી આર્થિક પ્રવૃત્તિની ગતિ વધારી દીધી છે.
વૈશ્વિક દબાણ છતાં મજબૂત પ્રદર્શન
આર્થિક સર્વેક્ષણ સૂચવે છે કે વૈશ્વિક સ્તરે ઘટાડાનું જોખમ રહેલું છે. હાલની વૈશ્વિક હાલત ભારત માટે કોઈ સંકટ પેદા કરી શકે તેમ નથી. મજબૂત વિદેશી રોકાણ, બેંકિગ સિસ્ટમ અને નીતિ વિશ્વસનીયતા ભારત માટે સુરક્ષા કવચ બની છે.
નિકાસ પર સરકારનું ફોકસ
આર્થિક સર્વેક્ષણ મુજબ, ચાલુ ખાતાની ખાધ (CAD) પર નિર્ભરતાને કારણે રૂપિયો કંઈક અંશે ઓછો આંકવામાં આવ્યો છે. યુએસ ટેરિફના સમયગાળામાં નબળો રૂપિયો અર્થતંત્ર માટે વધુ પડતો નુકસાનકારક નથી. જો કે, ચલણ સ્થિરતા માટે ઉત્પાદન નિકાસમાં વધારો જરૂરી રહેશે. ખાસ કરીને મૂલ્યવર્ધિત અને ટેકનોલોજી-આધારિત નિકાસ પર ખાસ ભાર મૂકવાની ભલામણ કરાઈ છે.
આ સંદર્ભમાં, પ્રથમ વખત, આર્થિક સર્વેક્ષણમાં AIને લઈને અલગ મુદ્દો રખાયો છે. જેનો અર્થ છે કે સરકાર આગામી દિવસોમાં નવી ટેકનોલોજી પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરશે. સરકાર સોના અને ચાંદીના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારા પર પણ નજીકથી નજર રાખી રહી છે. ધાતુના ભાવમાં વધારા માટે વૈશ્વિક પરિબળોને કારણભૂત ગણાવવામાં આવ્યા છે.
આર્થિક સર્વેક્ષણ માને છે કે જો માળખાગત રોકાણ, નિકાસ પ્રોત્સાહન અને નાણાકીય શિસ્ત જાળવવામાં આવે તો વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારત ઝડપી અને સંતુલિત વિકાસના માર્ગ પર રહી શકે છે. આર્થિક સર્વેક્ષણ રાજ્યોને સલાહ આપે છે કે અર્થતંત્રમાં મૂડી ખર્ચ (કેપેક્સ)ને પ્રાથમિકતા આપે. જેથી કરીને અર્થવ્યવસ્થામાં ખાનગી રોકાણને પાછું ધકેલવા અર્થાત ક્રાઉડિંગ આઉટનો ભય ન વધે.








