મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

વાહનચાલક નશામાં હોય અને તેનાથી કોઈનું મોત થઈ જાય તો શું વીમા કંપની વળતર આપશે? જાણો શું કહ્યું હાઈકોર્ટે

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે જો વાહનનો ચાલક દારૂ પીને માર

વાહનચાલક નશામાં હોય અને તેનાથી કોઈનું મોત થઈ જાય તો શું વીમા કંપની વળતર આપશે? જાણો શું કહ્યું હાઈકોર્ટે

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે જો વાહનનો ચાલક દારૂ પીને માર્ગ અકસ્માતનું અને કોઈના મોતનું  કારણ બને છે, તો પણ વીમા કંપનીએ મૃતકના પરિવારને વળતર ચૂકવવું પડશે. જોકે, વીમા કંપની પાછળથી વાહન માલિક પાસેથી આ રકમ વસૂલ કરી શકે છે.

ભુવનેશ્વરી વિરુદ્ધ મેસર્સ BVM સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના કેસમાં જસ્ટિસ એમ. ધંડાપાણી દ્વારા આ ચુકાદો  આપવામાં આવ્યો હતો. કેરળ હાઈકોર્ટના મોહમ્મદ રશીદ વિરુદ્ધ ગિરિવાસનના કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વીમા કંપનીએ પહેલા વળતર જમા કરાવવું પડશે અને પછી તે કાયદાકીય પ્રક્રિયા દ્વારા વાહન માલિક પાસેથી રકમ વસૂલ કરી શકાય છે.

શું છે મામલો ?

બાર એન્ડ બેન્ચમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ ઘટના 30 ડિસેમ્બર, 2017ની છે. રાજશેખરન નામનો એક વ્યક્તિ ચેન્નાઈના તિરુનીરમલાઈ મેઈન રોડ પર રસ્તાની બાજુમાં ચાલી રહ્યો હતો. ત્યારે એક ઝડપી કારે તેને પાછળથી ટક્કર મારી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતકના પરિવારે 65 લાખનું વળતર માંગ્યું હતું, પરંતુ મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT)એ વળતર 27.65 લાખ નક્કી કર્યું અને વીમા કંપનીને જવાબદારીમાંથી મુક્ત કરી કારણ કે અકસ્માત સમયે કારનો ડ્રાઇવર નશામાં હતો.

હાઇકોર્ટનો ચુકાદો

રાજશેખરનના પરિવારે ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતા કહ્યું કે મૃતકની માસિક આવક ખોટી રીતે ગણતરી કરવામાં આવી હતી અને વળતરની રકમ ઓછી નક્કી કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી અને વળતર વધારીને 30.25 લાખ કર્યું. ઉપરાંત, કોર્ટે સ્પષ્ટ કર્યું કે વીમા કંપનીએ છ અઠવાડિયામાં વળતરની રકમ જમા કરાવવી પડશે, પરંતુ કંપની પછીથી વાહન માલિક પાસેથી આ રકમ વસૂલ કરી શકે છે.

આ સમાચાર શેર કરો