સળંગ છ કારોબારી સત્રમાં રોકાણકારોના રૂ. 15 લાખ કરોડ ડૂબ્યાઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં ત્રણ ટકાનો ઘટાડો
સ્થાનિક શેરબજારમાં છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી ઘટાડો ચાલુ છે. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં

સ્થાનિક શેરબજારમાં છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી ઘટાડો ચાલુ છે. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોની મૂડીમાં રૂ. 15 લાખ કરોડનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન નિફ્ટી 50 અને સેન્સેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘણી વોલેટિલિટી જોવા મળી હતી અને નિફ્ટી 50 અને બીએસઇ સેન્સેક્સ એક ટકાથી વધુ ઘટીને 2 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા. નિફ્ટી 50 ઈન્ડેક્સ ગુરુવારે 345 પોઈન્ટ ઘટીને 21,957 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 1062 પોઈન્ટની નબળાઈ બાદ 72404 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
6 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
છેલ્લા 6 દિવસમાં શેરબજારમાં ચાલી રહેલી નબળાઈના કારણે રોકાણકારોના 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસોમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ ત્રણ ટકા ઘટ્યો છે જ્યારે સેન્સેક્સ બે ટકા નબળો પડ્યો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સમાં જોકે ગુરુવારે હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવા શેરોમાં તેજી રહી હતી, જ્યારે લાર્સન, બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ જેવા શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે.
FIIની વેચવાલી વધી
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલીથી શેરબજારમાં નબળાઈ નોંધાઈ છે. મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 15863 કરોડના શેર વેચ્યા છે. એપ્રિલ 2024માં વિદેશી રોકાણકારોએ રૂ. 35692 કરોડના શેર વેચ્યા હતા. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના ચોથા ક્વાર્ટરના મિશ્ર પરિણામોના કારણે વિદેશી રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો શેર વેચી રહ્યા છે.
સામાન્ય ચૂંટણીમાં બજાર નબળું રહ્યું છે
સામાન્ય રીતે ચૂંટણીની મોસમમાં શેરબજારમાં ઘટાડો જોવા મળે છે. ભારતમાં પણ સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે, જેના કારણે શેરબજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે અને તેમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાની આશા નથી. શેરબજારના જાણકારોના મતે સામાન્ય ચૂંટણીમાં ઓછા લોકો મતદાન કરવા માટે બહાર આવતા શેરબજાર માટે ચિંતાનું મુખ્ય કારણ બની ગયું છે.








