મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ટ્રમ્પના ટેરિફવૉર વિશે કોટક બેંકના સ્થાપકની સલાહ : ભારતે રાષ્ટ્રીય હિત અને આર્થિક શક્તિ પર ધ્યાન આપવાની જરૂર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે છેડેલા ટેરિફવૉર અંગે કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક અને ડ

ટ્રમ્પના ટેરિફવૉર વિશે કોટક બેંકના સ્થાપકની સલાહ : ભારતે રાષ્ટ્રીય હિત અને આર્થિક શક્તિ પર ધ્યાન આપવાની જરૂર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે છેડેલા ટેરિફવૉર અંગે કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટકે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, 'ભારતે રાષ્ટ્રીય હિત પર ધ્યાન આપવું જોઇએ અને ટ્રમ્પના અહંકાર સાથે વ્યૂહાત્મક રીતે વ્યવહાર કરવો જોઇએ.' 

તેમણે એક ચર્ચામાં જણાવ્યુ હતું કે, ' ટ્રમ્પ જાણે છે કે ભારતને શું ગમતું નથી. તેઓ સતત આ વાતને ઉછાળતા રહ્યા છે કે ભારત-પાકિસ્તાનને એક સાથે જોડીને જ જોવામાં આવે. કારણ કે તે જાણે છે કે ભારતીયોને શું પરેશાન કરે છે! આપણે તેમની વ્યૂહરચનામાં ના ફસાવું જોઇએ. આપણે સ્પષ્ટ હોવા જોઇએ કે એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં આપણે સંમત થવાનું છે અને કયા ક્ષેત્રો માટે કડક રહેવાનુ છે. ગમે તે હોય, મને લાગે છે કે આપણે સ્પષ્ટ રહેવું પડશે. એ માણસનો અહંકાર ઘણો મોટો છે, કોઇએ તો એનું ધ્યાન રાખવું પડશે. આપણે સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણે તેમની સાથે કેવી રીતે નીભાવી રહ્યાં છીએ જે આપણા સ્થાનિક ઉદ્દેશ્યો સાથે સુસંગત નથી. તેમના અહંકાર સાથે રમવું એ ચર્ચાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તમે એક શક્તિશાળી માણસોની દુનિયા જોઇ રહ્યાં છો.'

ઉદય કોટકે યુરોપનું ઉદાહરણ આપી સમજાવતા કહ્યું કે, 'તમે તાજેતરમાં જોયું કે અમેરિકન પ્રમુખે યુરોપ સાથે ચર્ચા કરીને તેનો નાશ કેવી રીતે કર્યો. યુરોપે ઘણું જતુ કર્યુ. યુરોપમાં અમેરિકન વસ્તુઓ પર ડ્યુટી ઝીરો ટકા કરી દેવામાં આવી, તેની સામે અમેરિકામાં યુરોપિયન માલ પર 15 ટકા ડ્યુટી છે. મને નથી લાગતું કે યુરોપિયનો ખુશ છે, પણ તેમણે હાર માની લીધી છે. ભારતની ચર્ચા અલગ રાખીને કહું તો આ તબક્કે માત્ર ચીન જ ટ્રમ્પ સામે છાતી કાઢીને ઊભુ છે. ચીન પાસે આપવા માટે કંઈક છે. અમેરિકાને રેર અર્થની જરૂર છે. અમેરિકાને ચીનની ચીજ-વસ્તુઓની જરૂર છે, નહિ તો એમનું સ્થાનિક અર્થતંત્ર ધીમુ પડી જશે. હું એવું મક્કમપણે માનુ છું કે અંતત: પાવર તો પાવર જ હોય છે અને ભારતે ખુબ જ ઝડપથી પોતાનો પાવર ઊભો કરવો પડશે. અર્થતંત્રની દૃષ્ટિએ ભારતે હજુ ઘણુ અને ખુબ જ ઝડપથી કરવાની જરૂર છે જેથી ભારતના વિકાસને વેગ મળે.'

આ સમાચાર શેર કરો