મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ટોયલેટ સાફ કરવાથી લઈને Nvidiaના માલિક બનવા સુધી આવી રહી જેનસેન હુઆંગની સફર

AI ચિપ્સ બનાવતી અમેરિકન કંપની Nvidiaએ એપલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓને પાછળ છોડી વિશ્વન

ટોયલેટ સાફ કરવાથી લઈને Nvidiaના માલિક બનવા સુધી આવી રહી જેનસેન હુઆંગની સફર

AI ચિપ્સ બનાવતી અમેરિકન કંપની Nvidiaએ એપલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓને પાછળ છોડી વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મંગળવારે કંપનીના શેરમાં 3.5 ટકાનો વધારો થયો હતો અને કંપનીનું માર્કેટ કેપ $3.34 લાખ કરોડે પહોંચ્યું હતું. આ વર્ષે, Nvidiaના શેરમાં 174 ટકાનો વધારો થયો છે, ગયા વર્ષે તેમાં 239 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

કોણ છે Nvidiaના ફાઉન્ડર?

Nvidiaની સ્થાપના જેનસેન હુઆંગ દ્વારા કરવામાં આવી હતી. હુઆંગનો જન્મ 1963માં તાઈવાનમાં થયો હતો. તેમનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું. તેમનું પ્રારંભિક બાળપણ તાઇવાન અને થાઇલેન્ડમાં વિત્યું હતું, ત્યારબાદ 1973માં તેમના માતા-પિતાએ તેમને તેમના સંબંધી સાથે રહેવા અમેરિકા મોકલ્યા હતા. અહીં જ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1984માં ઓરેગોન યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. 1992માં સ્કોલરશિપ પર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.

ક્યારેક વેઈટરનું તો ક્યારેક શૌચાલય સાફ કરવાનું કામ કર્યું

Nvidia શરૂ કરતા પહેલાં, જેનસેન હુઆંગ એક વેઈટર તરીકે કામ કરતા હતા. ખર્ચાઓ પહોંચી વળવા નાની-મોટી તમામ પ્રકારની નોકરીઓ કરી છે. અભ્યાસ ખર્ચ ઉપાડવા માટે થોડા મહિનાઓ સુધી ડેનીની રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન હુઆંગે પોતે કહ્યું હતું કે, "મારા માટે કોઈ કામ મોટું કે નાનું નથી. ક્યારેક હું શૌચાલય સાફ કરતો અને બીજાના કપડાં પણ ધોતો. સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં ભણતો હતો ત્યારે જરૂરિયાતો પૂરી કરવા માટે તે વાસણો સાફ કરતો, ટોયલેટ સાફ કરતો અને બીજાના કપડાં ધોતો હતો."

Nvidia શરૂઆત

ઓફિસમાં કામ કરતી વખતે તે ચિપ્સ વિશે ખૂબ શીખ્યા હતા. 30 વર્ષની ઉંમરે, તેમણે તેના બે મિત્રો ક્રિસ માલાચોવ્સ્કી અને કર્ટિસ પ્રિમ સાથે મળી Nvidiaની શરૂઆત કરી હતી. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, Nvidiaની શરૂઆત એક રેસ્ટોરન્ટમાં થઈ હતી. વર્ષ 1993માં, Nvidiaની શરૂઆત કરતાં પહેલા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું હતું. તેઓ સવારે 6 વાગ્યાથી આખી રાત સુધી કામ કરતાં હતાં, દરરોજ 14-15 કલાક કામ કરે, તેમજ રજાઓ અને સપ્તાહના અંતે પણ કામ કરતાં હતા. તેના કર્મચારીઓ સાથે સાહજિકપણે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા તેમની સાથે બેસીને કાફેમાં લંચ લે છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે કંપની નાદારીની આરે પહોંચી હતી. પરંતુ તેમણે હાર માની નહીં, કંપનીને ફરી ઉભી કરી તેને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બનાવી.

કમાણીમાં આગળ

વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનારાઓમાં જેનસેન હુઆંગ પહેલા સ્થાને છે. Nvidiaના શેરમાં સતત વધારો થવાને કારણે હુઆંગની કમાણી ઝડપથી વધી છે. AI અને સેમિકન્ડક્ટર ચિપ્સની વધતી માગ કંપનીના શેર પર અસર કરી રહી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, હુઆંગની નેટવર્થ આ વર્ષે $74.9 અબજે પહોંચી હતી. તેઓ $119 અબજની નેટવર્થ સાથે વિશ્વના 12માં સૌથી ધનિક વ્યક્તિ છે.

એઆઈ ચિપ્સની માગમાં વધારાની અસર

તાજેતરના સમયમાં AI ચિપ્સની માગ ઝડપથી વધી છે. જેનો Nvidiaને ફાયદો થયો છે. વિશ્વભરમાં AI ચિપ્સના કુલ વેચાણમાં Nvidiaનો હિસ્સો લગભગ 70 ટકા છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, વર્ષ 2026માં તે તેનું સૌથી એડવાન્સ્ડ AI ચિપ પ્લેટફોર્મ રુબિન લોન્ચ કરશે, જેને સૌથી પાવરફુલ ચિપ દર્શાવાઈ છે. કંપનીએ વિશ્વની અગ્રણી કંપનીઓને પાછળ છોડીને સૌથી મૂલ્યવાનનું બિરુદ હાંસલ કર્યું છે.

આ સમાચાર શેર કરો