₹50 હજાર પગાર છે? 5 વર્ષની નોકરી બાદ મળશે ₹1.44 લાખની ગ્રેચ્યુટી! જાણો ગણતરીનું ફોર્મ્યુલા

કોઈ પણ કંપની કે સંસ્થા પોતાના કર્મચારીઓને સતત પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરવા પર ગ્રેચ્યુટીનો લાભ આપે છે. જો તમે પાંચ વર્ષ સુધી એક જ સંસ્થામાં કામ કર્યા બાદ નોકરી છોડો છો, તો કંપની તરફથી તમને આ રકમ ચૂકવવામાં આવે છે. પગાર ઉપરાંત કર્મચારીની લાંબી સેવાના બદલામાં રિવોર્ડ તરીકે ગ્રેચ્યુટી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રકમ કર્મચારીના છેલ્લા પગાર અને નોકરીમાં પૂર્ણ કરેલા વર્ષોના આધારે નક્કી થાય છે.
ગ્રેચ્યુટી મેળવવાના નિયમો અને પાત્રતા
સોશિયલ સિક્યોરિટી કોડ, 2020 હેઠળ કર્મચારીના નિવૃત્ત થવા પર કે રાજીનામું આપવાની સ્થિતિમાં ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ લાભ મેળવવા માટે એક જ સંસ્થામાં સતત પાંચ વર્ષની સેવા જરૂરી છે, પરંતુ કર્મચારીના મૃત્યુ કે દિવ્યાંગતાના કિસ્સામાં પાંચ વર્ષની શરત લાગુ પડતી નથી. આ ઉપરાંત, 2025થી અમલમાં આવેલા નિયમ મુજબ ફિક્સ્ડ ટર્મ કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ પાંચ વર્ષની સામાન્ય શરત પૂરી કર્યા વિના પ્રમાણસર (પ્રો-રેટા) આધારે ગ્રેચ્યુટીનો લાભ મળી શકે છે.
કેવી રીતે થાય છે ગ્રેચ્યુટીની ગણતરી?
ગ્રેચ્યુટીની ગણતરી કરવા માટે કર્મચારીનો છેલ્લો પગાર (બેઝિક સેલેરી + મોંઘવારી ભથ્થું એટલે કે DA) અને નોકરીના કુલ વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે. નિયમ મુજબ, દર વર્ષની સેવા બદલ 15 દિવસનો પગાર ગણવામાં આવે છે અને મહિનાના 26 કામકાજના દિવસો (વર્કિંગ ડેઝ) ગણીને તેની ગણતરી થાય છે. આ માટેની ફોર્મ્યુલા: ગ્રેચ્યુટી = (છેલ્લો પગાર × 15 × નોકરીના વર્ષ) ÷ 26 છે.
50 હજારના પગાર પર કેટલી રકમ મળશે?
જો તમારો બેઝિક પગાર અને DA મળીને કુલ પગાર 50,000 રૂપિયા છે અને તમે એક જ સંસ્થામાં 5 વર્ષની નોકરી પૂરી કરી છે, તો તમારા 15 દિવસનો સરેરાશ પગાર 28,846 રૂપિયા થાય છે. હવે આ આંકડાઓને ગ્રેચ્યુટીની ફોર્મ્યુલામાં મૂકીએ તો (50,000 × 15 × 5 ÷ 26) તમારી કુલ ગ્રેચ્યુટી 1,44,231 રૂપિયા બને છે. એટલે કે પાંચ વર્ષની નોકરી બાદ સંસ્થા છોડવા પર તમને 1,44,231 રૂપિયાની ગ્રેચ્યુટી મળવાપાત્ર રહેશે.








