₹20 લાખ ખર્ચીને પણ નોકરીની ગેરંટી નહીં! બાળકોના ઉચ્ચ શિક્ષણ પહેલાં વાલીઓએ જાણી લેવું જોઈએ આ ગણિત

₹20 લાખ ખર્ચીને પણ નોકરીની ગેરંટી નહીં! બાળકોના ઉચ્ચ શિક્ષણ પહેલાં વાલીઓએ જાણી લેવું જોઈએ આ ગણિત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

ઘર ખરીદ્યા પછી ભારતીય વાલીઓ માટે બાળકોના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ સૌથી મોટી આર્થિક જવાબદારી હોય છે. પરંતુ હાલના સમયમાં કોલેજની આસમાને પહોંચેલી ફી અને સામે નોકરીની ઘટતી તકોને કારણે મોંઘી ડિગ્રીઓમાંથી મળતા વળતર (ROI) પર ગંભીર સવાલો ઉભા થયા છે. જો ₹20 લાખ જેવી માતબર રકમ ખર્ચ્યા પછી પણ સારી નોકરી ન મળે તો શું? આ પ્રશ્ન અત્યારે મધ્યમવર્ગીય પરિવારોની ઊંઘ હરામ કરી રહ્યો છે.

ગ્રેજ્યુએટ યુવાનોમાં બેરોજગારીની ગંભીર સમસ્યા

જાહેરાત

'વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક તાજેતરના અહેવાલમાં વિશ્વભરના યુવાનોની આર્થિક નારાજગી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આજની પેઢી અગાઉની પેઢીઓ કરતાં વધુ ભણેલી હોવા છતાં સ્થિર નોકરી અને આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ રિપોર્ટમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સંશોધનને ટાંકીને જણાવાયું છે કે, ભારતમાં યુવાન પુરુષ કોલેજ ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર 48.8 ટકા જેટલો ઊંચો છે. માત્ર 6.7 ટકા યુવાનો પાસે જ કાયમી પગારદાર નોકરી છે, જ્યારે માત્ર 3.7 ટકા યુવાનો વ્હાઈટ-કોલર જોબ ધરાવે છે. આ ઉપરાંત, 2010 પછી આવેલા ટેકનોલોજીકલ બદલાવને કારણે ડિગ્રીધારકો અને બિન-ડિગ્રીધારક કામદારો વચ્ચેની તકોનું અંતર ઘટ્યું છે.

₹20 લાખની ડિગ્રીનું વાસ્તવિક આર્થિક ગણિત

જો કોઈ પરિવાર ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ પાછળ ₹20 લાખ ખર્ચે છે અને તેમાંથી ₹15 લાખની એજ્યુકેશન લોન (9 ટકા વાર્ષિક વ્યાજે) લે છે, તો તેનું ગણિત ઘણું જોખમી બની શકે છે:
•    10 વર્ષની મુદત માટે લોનનો માસિક હપ્તો (EMI) અંદાજે ₹19,000 આવે (અભ્યાસના સમયગાળા દરમિયાન ચઢતા વ્યાજ સિવાય).
•    લોન પૂરી થતા સુધીમાં પરિવારે ₹7.8 લાખ વ્યાજ સહિત કુલ અંદાજે ₹22.8 લાખ ચૂકવવા પડે.
•    જો ગ્રેજ્યુએટ થયા બાદ યુવાનને મહિને ₹30,000 ની નોકરી મળે, તો પગારનો લગભગ 63 ટકા હિસ્સો માત્ર લોનના હપ્તામાં જ જતો રહે. ₹50,000 ના પગારમાં પણ 38 ટકા રકમ હપ્તામાં વપરાઈ જાય, જેનાથી બચત કે સ્વતંત્ર જીવન મુશ્કેલ બને છે.

AI ના આગમનથી એન્ટ્રી-લેવલ જોબ પર જોખમ

વિકસિત દેશોમાં પણ સામાન્ય વસ્તીની સરખામણીએ યુવાન ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારી વધુ જોવા મળી રહી છે. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ આ અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો છે. એક સંશોધન મુજબ, નવેમ્બર 2022 થી ફ્રાન્સમાં 20 થી 29 વર્ષની વયના સોફ્ટવેર ડેવલપર્સની ભરતીમાં 42 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે એન્ટ્રી-લેવલ નોકરીઓ પર AI ની સીધી અસર દર્શાવે છે.

વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ?

નાણાકીય આયોજકો (ફાયનાન્સિયલ પ્લાનર્સ) વાલીઓને સલાહ આપે છે કે કોઈપણ મોંઘી કોલેજ કે કોર્સ પસંદ કરતા પહેલા ત્યાંનો પ્લેસમેન્ટ રેકોર્ડ, શરૂઆતનો સરેરાશ પગાર, સ્કોલરશિપ અને લોનના કુલ ખર્ચની બરાબર ગણતરી કરવી જોઈએ. દેવાના ડુંગર નીચે દબાવા કરતાં સરકારી યુનિવર્સિટીઓ, પરવડે તેવી ખાનગી સંસ્થાઓ અને સ્કિલ-આધારિત કોર્સની સરખામણી કરવી વધુ હિતાવહ છે. ખાસ કરીને વાલીઓએ બાળકોના શિક્ષણ માટે પોતાની રિટાયરમેન્ટની બચત જોખમમાં ન મૂકવી જોઈએ. હવે સવાલ એ નથી કે ડિગ્રીથી કરિયર બનશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે ડિગ્રી પાછળ થયેલો ખર્ચ ભવિષ્યમાં વસૂલ થશે કે કેમ!

આ સમાચાર શેર કરો

જાહેરાત