5 વખત ચેમ્પિયન, કમાણી ₹201 કરોડથી વધુ! જાણો IPLમાં ધોનીએ કયા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા?

ભારતીય ક્રિકેટના સૌથી કરિશ્માઈ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે કરોડો ચાહકોના પ્રિય 'થાલા' હવે IPL 2027ની સિઝનમાં મેદાન પર રમતા જોવા નહીં મળે. ધોનીના આ નિર્ણય સાથે જ IPLના સૌથી સફળ, રોમાંચક અને ઐતિહાસિક અધ્યાયનો અંત આવ્યો છે.
CSKને 5 IPL ટ્રોફી અને કેપ્ટન તરીકે 136 જીત અપાવી
વર્ષ 2008માં IPLની શરૂઆત થઈ ત્યારથી જ ચેન્નાઈ સુપર કિંગ્સની ઓળખ બની રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની શાનદાર કેપ્ટનશિપથી આ લીગમાં સફળતાના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 IPL ટ્રોફી અપાવી અને તેને લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાં સ્થાન અપાવ્યું. એટલું જ નહીં, તેમણે IPLમાં કેપ્ટન તરીકે કુલ 136 મેચમાં જીત નોંધાવી છે, જે કોઈપણ કેપ્ટન માટે મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત, એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને વર્ષ 2010 અને 2014માં બે ચેમ્પિયન્સ લીગ T20 ટાઇટલ પણ અપાવ્યાં હતાં.
137.45ના સ્ટ્રાઇક રેટથી કુલ 5439 રન બનાવ્યા
મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર પોતાની કેપ્ટનશિપ જ નહીં, પરંતુ આક્રમક બેટિંગ અને શાનદાર ફિનિશિંગથી પણ IPLના ઇતિહાસમાં અમીટ છાપ છોડી છે. તેમણે પોતાની IPL કારકિર્દીમાં કુલ 278 મેચ રમી હતી. આ દરમિયાન 242 ઇનિંગ્સમાં બેટિંગ કરતાં 38.3ની સરેરાશ અને 137.45ના સ્ટ્રાઇક રેટથી કુલ 5439 રન બનાવ્યા હતા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન રહ્યો હતો, જ્યારે તેમના બેટમાંથી 24 અડધી સદી પણ ફટકારાઈ હતી.
IPLમાં 100 વખત અણનમ રહી બનાવ્યો અનોખો રેકોર્ડ
ધોનીની ફિનિશિંગ ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ પોતાની 242 ઇનિંગ્સમાંથી 100 વખત અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા. આ રેકોર્ડ તેમને વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરોમાં સ્થાન અપાવે છે. પોતાની સમગ્ર IPL કારકિર્દી દરમિયાન તેમણે 375 ચોગ્ગા અને 264 છગ્ગા ફટકાર્યા હતા. તેમના શાનદાર પ્રદર્શન બદલ તેમને 18 વખત પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિકેટકીપિંગમાં પણ ધોનીનો રહ્યો દબદબો
બેટિંગ અને કેપ્ટનશિપ ઉપરાંત વિકેટ પાછળ પણ મહેન્દ્ર સિંહ ધોનીની ચપળતાનો કોઈ જવાબ ન હતો. પોતાની 278 મેચની લાંબી IPL કારકિર્દીમાં તેમણે વિકેટકીપર તરીકે કુલ 205 શિકાર કર્યા હતા. જેમાં 158 શાનદાર કેચ અને 47 ચિત્તાની ઝડપે કરેલી સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.
કુલ મળીને લગભગ 201.06 કરોડ રૂપિયાની કમાણી
IPLની પ્રથમ સિઝન એટલે કે 2008માં મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યા હતા. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 1.5 મિલિયન ડોલર (આશરે 6 કરોડ રૂપિયા) ની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ત્યારથી લઈને 2026 સુધી ધોનીના પગારમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ આવ્યા અને તેમણે આ લીગમાંથી કુલ મળીને લગભગ 201.06 કરોડ રૂપિયાની કમાણી કરી. ધોનીને 2018 થી 2020 સુધી CSKએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
કેપ્ટનશીપ છોડવાથી લઈને મેન્ટર બનવા સુધીની સફર
વર્ષ 2024ની સિઝનની બરાબર પહેલા ધોનીએ ભવિષ્યની પેઢીને તૈયાર કરવાના હેતુથી કેપ્ટનશીપની કમાન યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી. જોકે, 2025માં ગાયકવાડ ઈજાગ્રસ્ત થતા તેમણે ફરી એકવાર જવાબદારી સંભાળી. ત્યારબાદ 2026ની આખી સિઝન પિંડીની ઈજાને કારણે ધોની મેદાનની બહાર રહ્યા, પરંતુ ડગઆઉટમાં બેસીને પણ તેઓ ટીમનો ઉત્સાહ વધારતા રહ્યા. હવે એક ખેલાડી તરીકે તેમની IPL સફરનો અંત આવી ગયો છે અને તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સના મેન્ટરની નવી ભૂમિકામાં જોવા મળશે.







