10 મિનિટની તેજી બાદ કડાકો: સેન્સેક્સ 1452 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી પણ ધડામ!

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત તો જોરદાર તેજી સાથે થઈ હતી, પરંતુ રોકાણકારોની આ ખુશી માત્ર થોડી જ મિનિટો ટકી હતી. અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ સહિતના વૈશ્વિક બજારોમાં આવેલા કડાકાની અસર ભારતીય બજાર પર પણ પડી અને સેન્સેક્સ-નિફ્ટી અચાનક ધડામ થઈ ગયા હતા.
સેન્સેક્સ 743 પોઈન્ટ ઉછળ્યા બાદ 1452 પોઈન્ટ ગબડ્યો
BSE Sensex અગાઉના 83,919 ના બંધ સામે 84,421 પર ખૂલ્યો હતો અને શરૂઆતની મિનિટોમાં જ 743 પોઈન્ટના ઉછાળા સાથે 84,662 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બજારની ચાલ બદલાઈ ગઈ હતી અને સેન્સેક્સ આજના હાઈથી 1452 પોઈન્ટ ગબડીને 83,210 ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
નિફ્ટી પણ 26,000 ની નજીક જઈને ધડામ
NSE Nifty પણ શુક્રવારના 25,800.60 ના ક્લોઝિંગ સામે આજે બજાર ખૂલતા જ 192 પોઈન્ટના ઉછાળા સાથે 25,992.60 ના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી હતી અને તે આજના હાઈથી 425 પોઈન્ટ ગબડીને સીધું 25,567 ની નીચલી સપાટીએ આવી ગયો હતો.
ગ્લોબલ માર્કેટની સુનામીથી બજારમાં ઉથલપાથલ
સોમવારે સવારે ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી જોવા મળી હતી, જેના પગલે બજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. બીજી તરફ, અમેરિકા, જાપાન, કોરિયા અને હોંગકોંગના શેરબજારોમાં મોટા ઘટાડાના વૈશ્વિક સંકેતોને કારણે શરૂઆતની તેજી માત્ર 10 મિનિટમાં જ વેચવાલીમાં ફેરવાઈ ગઈ હતી.








