મોરબીમાં હનીટ્રેપ: યુવાનને હોટલમાં બોલાવી ₹50 લાખ પડાવવાનો પ્લાન નિષ્ફળ, યુવતી સહિત 4ની ધરપકડ

મોરબી શહેરના આલાપ રોડ પર વાડી વિસ્તારના રહેવાસી પરિણીત યુવાનને ઇન્સ્ટાગ્રામ મારફતે મેરેજ અનિવર્સરીનો મેસેજ કરી અને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં મળવા બોલાવ્યો હતો. બાદમાં યુવતીના મળતીયાઓએ યુવાનને બ્લેકમેઇલ કરી ૫૦ લાખની ખંડણી માંગી હતી. આ અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે યુવતી સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે. તો એક આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.
બનાવની વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમ (ઉ.વ.૨૨)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેની મેરેજ એનિવર્સરીના દિવસે તેને ઇન્સ્ટાગ્રામમાં કાજલ પરમાર નામની યુવતીએ શુભેચ્છા પાઠવી વાતચીત શરૂ કરી પ્રમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ વીડિયો કોલ કરી અગત્યની વાત કરવાના બહાને યુવાનને સામાકાંઠે નેશનલ હાઈવે પર આવેલી ફન હોટેલ ખાતે ૪ નવેમ્બરે મળવા બોલાવ્યો હતો.બીજે દિવસે યુવતીએ કોલ કરી આપણે મળ્યા તે ભાઈને ખબર પડી ગઈ છે, જેથી સમાધાન કરવું પડશે તેવી વાત કરી હતી.
બાદમાં યુવતીના કહેવાતા ભાઈ કિશન ઉર્ફે રાજુભાઈ મુછડીયાએ યુવાનને ફોન કરીને પંચાસર ચોકડીએ મળવા બોલાવ્યો હતો. જ્યાં આરોપીઓ રાજુ, તેજસ અને ભાવેશે સહિતનાઓએ સમાધાન માટે પચાસ લાખની માગણી કરી હતી. બાદમાં ૧૨ લાખ આપવાનું નક્કી કરાયું હતું. જોકે યુવાને પૈસા ન ચૂકવતા તેના ઘરે આરોપીઓે ધસી આવી ધમકી આપી બ્લેકમેઇલ કરતા અંતે યુવાને પાંચ આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસે હનીટ્રેપના આ કેસમાં આરોપીઓ રાજુભાઈ ઉર્ફે કિશન મોમજીભાઈ મુછ્ડીયા (રહે જાંબુડિયા), તેજસભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારીયા (રહે રામપર તા. ટંકારા), ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર અને કાજલબેન ભરતભાઈ પરમાર(રહે. બન્ને મોરબી) એમ ચારને ઝડપી લીધા છે. અન્ય આરોપી ભાવેશ મનસુખ કણઝારીયા (રહે દલવાડી સર્કલ, મોરબી)ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.








