TCS પોતાના 12000 કર્મચારીઓની છટણી કેમ કરશે? સામે આવ્યું કારણ
દેશની દિગ્ગજ IT કંપની TCSએ આગામી વર્ષે આશરે 12,000 કર્મચારીઓ

દેશની દિગ્ગજ IT કંપની TCSએ આગામી વર્ષે આશરે 12,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના સીઈઓ કે. કૃતિવાસને આ અંગે જાણકારી આપી હતી. આ છટણીની સૌથી વધુ અસર મધ્યમ અને સીનિયર લેવલના કર્મચારીઓ પર પડશે. કંપની પોતાના વર્કફોર્સમાં આશરે 2 ટકાનો ઘટાડો કરવા માટે આ વિચાર કરી રહી છે.
6 લાખથી વધુ કર્મચારીઓ કરે છે કામ
મીડિયાના અહેવાલ પ્રમાણે, ટાટા ગ્રૂપની TCS તેના વર્કફોર્સમાં 2%નો ઘટાડો કરવા જઈ રહી છે. જૂન, 2025 સુધીમાં કંપનીમાં કુલ 6,13,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેના 2 ટકા અર્થાત્ કંપની અંદાજે 12,000 કર્મચારીઓની છટણી કરવા માગે છે. આગામી વર્ષે આ છટણીની પ્રક્રિયા હાથ ધરાય તેવું જાણવામાં આવી રહ્યું છે.
કૃતિવાસને જણાવ્યું છટણીનું કારણ
TCSના સીઈઓ કે. કૃતિવાસને જણાવ્યા મુજબ, છટણી પાછળનું કારણ ઝડપથી બદલાતા તકનિકી ફેરફારો છે. TCS વધુ ચુસ્ત અને ભવિષ્ય માટે સજ્જ બનવા એક વ્યાપક રણનીતિ ઘડવા માગે છે. બિઝનેસની કામગીરી બદલાઈ રહી છે. જેથી કંપનીને પોતાના ગ્રોથને જાળવી રાખવા અને ગતિશિલ બનાવવા અમુક ફેરફારો કરવા આવશ્યક છે.
શું AI પણ છે છટણીનું કારણ?
કૃતિવાસનના મતે, હવે TCS આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી નવી તકનીકો અને ઓપરેટિંગ મોડેલમાં ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની મોટા પાયે AI મોડ્યુલ્સનો ઉપયોગ કરી રહી છે અને આગળ વધવા માટે જરૂરી કૌશલ્યોનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ઍસોસિએટ્સમાં મોટાપાયે રોકાણ કર્યું છે. જેથી તેઓ કરિયર ગ્રોથની તકો મેળવી શકે. જો કે, કેટલાક ક્ષેત્રોમાં પુનઃનિયુક્તિ અસરકારક રહી નથી, જેના કારણે ભૂમિકાઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કયા લેવલમાં કરાશે છટણી?
TCSના સીઈઓએ કહ્યું કે, આ છટણીનો મુખ્યત્વે ભોગ જુનિયર સ્ટાફને બદલે મધ્યમ અને સિનિયર લેવલના મેનેજમેન્ટ બનશે. જે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને છટણી પેકેજ, નોટિસ સમયગાળા માટે પગાર, વિસ્તૃત હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ અને આઉટ પ્લેસમેન્ટ જેવી સહાય પૂરી પાડવામાં આવશે. સીઈઓએ આ છટણી પાછળનું સીધું કારણ AI ગણાવ્યું ન હોવા છતાં વિશ્લેષકોએ અનુમાન લગાવ્યો છે કે, AI આ ક્ષેત્રમાં માંગને નવો આકાર આપી રહ્યું છે.








