મોંઘવારીએ ખોરવ્યું મહિલાઓનું બજેટ, પરિવારના સરેરાશ માસિક ખર્ચમાં અધધ વધારો

ભારતીય કુટુંબોને મોંઘવારી નડી છે. ફુગાવાના લીધે તેમના માસિક ખર્ચમાં જુન 2022ના ક્વાર્ટરની તુલનાએ આ વખતના માર્ચ ક્વાર્ટરમાં 18 ટકા વધારો થયો છે. તેની પાછળનું કારણ ફુગાવો છે, એમ માર્કેટ રિસર્ચ ફર્મ કેન્ટરે જણાવ્યું હતું. આ પહેલા જુન 2022ના ક્વાર્ટરમાં કેન્ટરે 6000 ભારતીય કુટુંબોનો સરવે કર્યો હતો. ભારતીય કુટુંબોનો સરેરાશ માસિક ખર્ચ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં રુ. 49418 હતો.તેમા શહેરી કુટુંબોનો ખર્ચ રુ. 64583 હતો અને ગ્રામીણ કુટુંબોનો ખર્ચ રુ. 41215 હતો.
આમ શહેરી કુટુંબોએ ગ્રામીણ કુટુંબો કરતા 1.6 ગણો વધુ ખર્ચ કર્યો હતો. જ્યારે ઓછી ક્ષમતાવાળા ભારતીય કુટુંબોને સરેરાશ ખર્ચ આ ત્રિમાસિક સમયગાળા દરમિયાન માસિક ધોરણે 38000 રૂપિયા હતો. કેન્ટર ટ્રેકરે આવરી લીધેલા ખર્ચામાં કરિયાણુ, ફળો, શાકભાજી, જીવનજરુરી, શિક્ષણ, ફરવાનો ખર્ચ, ફેશન ભાડા વગેરે ખર્ચનો સમાવેશ થાય છે.
ભારતીયોનો સૌથી મોટો ખર્ચ હોય તો તે કરિયાણા પાછળનો ખર્ચ છે. આ ત્રિમાસિક અંદાજમાં કુલ કૌટુંબિક ખર્ચમાં તેનો હિસ્સો 24 ટકા હતો. આમ ત્રિમાસિક ધોરણે તેમા 2000 રુપિયાનો વધારો થયો છે.
શહેરી ભારતીયનો ખર્ચ ગ્રામીણ કરતાં વધારે
2022-23માં ગ્રામીણ ભારતીયનો સરેરાશ ખર્ચ રુ.3773 હતો અને શહેરી ભારતીયનો ખર્ચ રુ. 6459 હતો.આમ અખિલ ભારતીય ધોરણે શહેરી ભારતીયનો ખર્ચ ગ્રામીણ ભારતીય કરતાં 71 ટકા વધારે હતો, એમ 2022-23ના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન સરવેના કન્ઝ્યુમર એક્સ્પેન્ડિચર સરવેમાં જણાવાયું હતું.
માર્ચ ક્વાર્ટરમાં કરવામાં આવેલા સરવેમાં કુલ 16 ટકા ભારતીયો જ તેમની નાણાકીય સ્થિતિથી સંતુષ્ટ હતા. જ્યારે 34 ટકા કુટુંબોએ જણાવ્યું હતું કે તેમના માટે મોંઘવારીને પહોંચીવ વળવું વધુને વધુ મુશ્કેલ થઈ રહ્યું છે. આ દર્શાવે છે કે ભારતનો ત્રીજા ભાગનો હિસ્સો ગંભીર નાણાકીય સ્થિતિનો સામનો કરી રહ્યો છે.
દેશનો દક્ષિણ હિસ્સો હાઇએસ્ટ સ્પેન્ડર્સ એટલે કે સૌથી વધુ ખર્ચ કરનાર તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં તેના ખર્ચમાં 35 ટકા વધારો થયો છે. જ્યારે 2022માં સૌથી વધુ ખર્ચ કરવામા આગળ રહેલું નોર્થ ઝોન 2022માં પાછળ પડી ગયું હતું. તેનું કારણ તેનો ઉપયોગી વસ્તુઓ પાછળનો ખર્ચ 16 ટકાથી ઘટી 9 ટકા થઈ ગયો તે હતુ. શિયાળામાં નોર્થમાં સામાન્ય રીતે ખર્ચ ઘણો આછો થતો હોય છે.

