ભારતે 1 વર્ષમાં 4.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ઘટાડ્યું, ટેરિફની જાળમાં ટ્રમ્પ જ ફસાયા
અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારતે જડબાતોડ જવાબ આપતા યુએસ ટ્રેઝરીમાં પોતાનું રોકાણ એક જ વર્

અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારતે જડબાતોડ જવાબ આપતા યુએસ ટ્રેઝરીમાં પોતાનું રોકાણ એક જ વર્ષમાં 21% ઘટાડી નાખ્યું છે. ભારતના આ વળતા દાવથી અમેરિકન અર્થતંત્રને ₹4.5 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. બ્લૂમબર્ગના મતે, વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને બદલાતી ભૌગોલિક-રાજકીય સ્થિતિને જોતા ભારત હવે ડોલર પરની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. આ વ્યૂહાત્મક ફેરફારનો મુખ્ય હેતુ ભારતીય અર્થતંત્રને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો છે.
રોકાણમાં મોટો ઘટાડો
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 31 ઑક્ટોબર 2024થી 31 ઑક્ટોબર 2025 દરમિયાન અમેરિકન ટ્રેઝરીમાં ભારતના રોકાણમાં 21 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ હિસ્સેદારી હવે 241.4 અબજ ડોલરથી ગગડીને 190.7 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
50 અબજ ડોલરનું રોકાણ અમેરિકન બજારમાંથી પાછું ખેંચ્યું
આ આંકડાકીય ફેરફાર સૂચવે છે કે ભારતે માત્ર એક જ વર્ષમાં અંદાજે 50 અબજ ડોલર(આશરે 4.5 લાખ કરોડ રૂપિયા) જેટલું માતબર રોકાણ અમેરિકન બજારમાંથી પાછું ખેંચ્યું છે. નોંધનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ભારતીય રોકાણમાં ઘટાડો નોંધાયો હોય, કારણ કે અગાઉના વર્ષોમાં ભારતની આ હોલ્ડિંગ કાં તો સતત વધતી હતી અથવા સ્થિર રહેતી હતી.
વધતા રિટર્ન છતાં ભારત કેમ દૂર થયું?
આશ્ચર્યજનક વાત એ છે કે અત્યારે અમેરિકન ટ્રેઝરી પર રિટર્ન 4%થી વધીને 4.8% થયું છે, જે રોકાણકારો માટે ફાયદાકારક ગણાય. તેમ છતાં, અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભારતનો હેતુ નફો કમાવવા કરતા 'ડોલર' પરની નિર્ભરતા ઘટાડવાનો અને પોતાના પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ કરવાનો છે.
સોનામાં રોકાણ વધાર્યું
અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ડોલરના મૂલ્યમાં સંભવિત ઘટાડા અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને જોતા RBI હવે સોના અને બિન-ડોલર સંપત્તિઓમાં રોકાણ વધારી રહી છે. ભારત હવે સુરક્ષિત રોકાણ તરીકે સોના પર વધુ ભાર મૂકી રહ્યું છે.
અમેરિકન અર્થતંત્ર પર અસર
ભારતની આ બદલાયેલી રણનીતિથી અમેરિકન અર્થતંત્રને સીધો ફટકો પડ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગીનું એક મુખ્ય કારણ એ પણ છે કે ભારત હવે તેની શરતો પર ઝૂકવાને બદલે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાનો અલગ રસ્તો બનાવી રહ્યું છે. અમેરિકામાં નબળા શ્રમ બજાર અને ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિને કારણે ડોલર પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે.








