તહેવારોમાં સોનામાં આગ ઝરતી તેજી, ભાવ 82,300ની નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો

અમદાવાદ તેમજ મુંબઈ ઝવેરી બજારમાં દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 800નો વધારો થતાં તે રૂ. 82 હજારની ઉપર જતો રહ્યો, જેના કારણે નવો રેકોર્ડ સર્જાયો હતો.
અમદાવાદ બજારમાં સોનાનો ભાવ વધી 99.50ના રૂ. 82,100 તથા 99.90ના રૂ. 82,300 બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ. 1,500 ઉછળી રૂ. 99,000ને આંબી ગયા હતા. વૈશ્વિક સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશના ઉંચામાં 2,800 ડોલરની ઐતિહાસિક સપાટી નજીક પહોંચ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ તેજીની ચાલ આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશદીઠ 2,752થી 2,753 વાલા વધી ઉંચામાં ભાવ 2,789થી 2, 790 થઈ 2,782 ડોલર રહ્યા હતા. જોકે, વૈશ્વિક ચાંદીના ભાવ વધ્યા પછી ઘટ્યાના સમાચાર હતા.
આ દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂ. 78,430 વાળા વધી 79,362 થઈ રૂ. 79,262 રહ્યા હતા. જ્યારે 99.50ના ભાવ રૂ.78,745 વાળા રૂ. 79,681 થઈ રૂ. 79,581 રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ. 97,879 વાળા રૂ. 98,340 થઈ રૂ. 98,040 રહ્યા હતા. વૈશ્વિક પ્લેટિનિયમના ભાવ 1,029 ડોલર રહ્યા હતા. પેલેડિયમના ભાવ 1,233થી 1,234 વાળા નીચામાં 1,157 થઈ 1,166થી 1,167 ડોલર રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં જીડીપી ગ્રોથ 2.80 ટકા આવતાં ત્યાં અર્થતંત્ર પ્રગતિના પંથે રહ્યાના સમાચાર હતા. ત્યાં કન્ઝયુમર સ્પેન્ડિંગ 3.70 ટકા વધતાં આશરે દોઢથી બે વર્ષની ઊંચી સપાટી આ સંદર્ભમાં દેખાઈ હતી. ત્યાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોથ વધી બાર મહિનાની ટોચે પહોંચ્યો હતો.

