FCNR સ્કીમથી ફોરેક્સ રિઝર્વ વધ્યું, પરંતુ વ્યાજની ચૂકવણી માટે બેન્કોએ ડોલર ખરીદવા નીકળવું પડશે તેવી સ્થિતિ

મુંબઈ : ડોલર સામે રૂપિયાને વધુ ગબડતો અટકાવવા તથા ક્રુડ તેલના ઊંચા ભાવ વચ્ચે બેલેન્સ ઓફ પેમેન્ટસની સ્થિતિ જાળવવા ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર) બેન્ક ડીપોઝિટ સ્કીમ મારફત દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ૧૨૭ અબજ ડોલર ઊભા કરી લેવાયા છે પરંતુ આ ડીપોઝિટ પર ચૂકવવાના થતા વ્યાજની રકમને મોટાભાગની બેન્કોએ હેજ કરી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
વ્યાજની ચૂકવણી માટે ડોલરની માગમાં વધારો થઈ શકે છે જેને પરિણામે રૂપિયા પર વધુ દબાણ આવી શકે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્પેશિયલ સ્વાપ ફેસિલિટી હેઠળ રિઝર્વ બેન્કે ડોલરના સ્વરૂપમાં થાપણ મેળવનારી બેન્કોને થાપણની મૂળ રકમ પર ફોરેકસના જોખમ સામે રક્ષણ પૂરુ પાડયું છે પરંતુ વ્યાજની ચૂકવણીની વ્યવસ્થા બેન્કોએ પોતાની રીતે કરવાની રહેશે એમ અન્ય એક બેન્કરે દાવો કર્યો હતો.
વિદેશની બેન્કોએ આવા જોખમ હેજ કરે છે પરંતુ મોટાભાગની સરકારી તથા ખાનગી બેન્કોએ હેજિંગ કર્યું નથી. ડોલરના વિનિમય દરમાં વધારાથી બેન્કોએ સહન કરવાનું આવી શકે છે.
ડોલર સામે રૂપિયામાં સ્થિરતા રાખવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરી તથા હેજિંગના ઊંચા ખર્ચને ધ્યાનમાં રાખી હેજિંગ કરવાનું ટાળ્યું હોવાનું વધુ એક બેન્કરે જણાવ્યું હતું.
વ્યાજની ચૂકવણી માટે આવશ્યક ડોલરની ખરીદી સ્પોટમાં કરવાની મોટાભાગની બેન્કો યોજના ધરાવે છે.
૩થી ૫ વર્ષની મુદતની ડીપોઝિટ પર વ્યાજની ચૂકવણી પર ફોરેકસ જોખમના હેજિંગ સામે વર્ષે ૩ ટકા જેટલો ખર્ચ આવી શકે છે. આ થાપણો પર વ્યાજની ચૂકવણી પાકતી મુદતે કરવાની રહેશે નહીં કે સમયાંતરે એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
એફસીએનઆર (બી) સ્કીમને પરિણામે દેશની બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ મજબૂત બની છે એટલું જ નહી ફોરેકસ રિઝર્વ પણ વધીને નવી વિક્રમી સપાટીએ જોવા મળ્યું છે.
એફસીએનઆર ડીપોઝિટ સ્કીમ હેઠળ રિઝર્વ બેન્કને અપેક્ષા કરતા સારો પ્રતિસાદ સાંપડતા તેણે સ્કીમને એક મહિનો વહેલી બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો.

