VIDEO : ભારતમાં એક વર્ષમાં 24 નવા અબજોપતિ બન્યા, ફોર્બ્સની નવી યાદીમાં જાણો ભારતમાં કોણ સૌથી ધનવાન
ફોર્બ્સે વિશ્વના સૌથી ધનિક લોકોની તેની લેટેસ્ટ અપડેટ બહાર પાડતા રિપોર્ટ આપ્યો છે કે, ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા અબજોપતિઓનો ઉમેરો થયો છે. જે ધનિકોની વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવે છે. સાથે જ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓનું રેન્કિંગનું પણ સામે આવ્યું છે. જેમાં ઘણાં મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા છે. એવામાં જાણીએ કે આ વર્ષે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે અને ભારતના કેટલા અબજોપતિ આ લિસ્ટમાં જગ્યા બનાવી શક્યા છે.
ભારતમાં અબજોપતિઓની સંખ્યા
ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનર્સ 2026ની યાદી અનુસાર, ભારતમાં અબજોપતિઓની સંખ્યા 2025માં 205થી વધીને આ વર્ષે 229 થઈ ગઈ છે. જોકે, ફોર્બ્સ ઈન્ડિયા 2025ની યાદી અનુસાર ભારતના 100 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ 9 ટકા ઘટીને $1 ટ્રિલિયન ડોલર (લગભગ ₹88 લાખ કરોડ)થઈ ગઈ છે. ગયા વર્ષે તેમની સંયુક્ત કુલ સંપત્તિ $1.1 ટ્રિલિયન ડોલર (લગભગ ₹97 લાખ કરોડ) હતી.
મુકેશ અંબાણી પહેલા નંબરે ભારતના સૌથી ધનિક વ્યક્તિ
'ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનેર્સ 2026' ની યાદી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી - ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં આશરે 12 ટકાનો વધારો થવાને કારણે મુકેશ અંબાણી ભારત અને એશિયા બંનેમાં સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે; જોકે તેઓ બે વર્ષ પહેલાની જેમ '100 બિલિયન ડોલર સંપત્તિ ક્લબ'માં ફરીથી જોડાવામાં થોડા પાછળ રહ્યા છે.
અબજોપતિઓની યાદીમાં ભારતનું સ્થાન
ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની 2026 ની યાદી અનુસાર, ભારતમાં હવે 229 અબજોપતિઓ છે, જે ગયા વર્ષે 205 હતા. આ ઉછાળા પાછળનું એક મુખ્ય પરિબળ શેરબજારમાં નવી કંપનીઓની યાદી હતી, જેણે બજારના એકંદર વિકાસને વેગ આપ્યો. ભારતીય અબજોપતિઓની સામૂહિક સંપત્તિ પણ વધીને 1 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે જે અગાઉ 2025માં 941 અબજ ડોલર હતી. દેશના ટોચના 10 સૌથી ધનિક વ્યક્તિઓની સંયુક્ત નેટવર્થ $368 અબજ ડોલર છે, જે કુલ સંપત્તિના એક તૃતીયાંશ કરતાં વધુ છે. છેલ્લા એક વર્ષમાં, તેમની સંપત્તિમાં આશરે 32 અબજ ડોલરનો વધારો થયો છે. ભારતના બે સૌથી ધનિક ઉદ્યોગપતિઓ - મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંયુક્ત સંપત્તિમાં પણ $14.7 અબજ ડોલરનો સંયુક્ત વધારો જોવા મળ્યો છે.
લક્ષ્મી મિત્તલની સંપત્તિ સૌથી વધુ વધી
ઓ.પી. જિંદાલ ગ્રુપના અધ્યક્ષ સાવિત્રી જિંદાલ ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી ધનિક મહિલા છે. તેઓ ભારતમાં 20 મહિલા અબજોપતિઓના જૂથનું નેતૃત્વ પણ કરે છે. આ વર્ષે ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં સૌથી વધુ વધારો થવાનો રેકોર્ડ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નામે છે. ભારતના ચોથા સૌથી ધનિક વ્યક્તિ મિત્તલ તાજેતરમાં યુકેમાં નવા કર નિયમો લાગુ થયા બાદ સ્વિટ્ઝર્લૅન્ડ સ્થળાંતરિત થયા છે.

