મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મોંઘી ડુંગળીમાંથી મળશે રાહત? મોદી સરકારનો મોટો નિર્ણય, ઘટી શકે ભાવ

દેશમાં ડુંગળીના (Onion) સતત વધતા ભાવથી પરેશાન સામાન્ય લોકોને આગામી અઠવાડિયાંમાં રાહત મળવાની આશા જાગી છે. કેન્દ્ર સરકાર દ્વારા બફર સ્ટોક (Buffer Stock)માંથી ડુંગળીનું વેચાણ વધારવામાં આવ્યું છે. બીજી તરફ, મહારાષ્ટ્ર સહિતના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી નવી ખરીફ પાકની આવક વધવાની શક્યતા છે. જો બજારમાં પુરવઠો (Supply) વધશે, તો ઓક્ટોબરના અંતથી નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

એક વર્ષમાં ડુંગળીના ભાવ લગભગ બમણા

રિપોર્ટ અનુસાર, 10 ઓક્ટોબર, 2026ના રોજ દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ (Retail Price) પ્રતિ કિલો રૂ. 52.99 નોંધાયો હતો. ગયા વર્ષે આ જ સમયગાળામાં ભાવ રૂ. 26.65 પ્રતિ કિલો હતો. એટલે કે એક વર્ષમાં ડુંગળીના સરેરાશ ભાવમાં લગભગ 99 ટકાનો વધારો થયો છે.

છેલ્લા એક મહિનામાં ભાવમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. 10 સપ્ટેમ્બરની આસપાસ ડુંગળીનો સરેરાશ ભાવ રૂ. 53.10 પ્રતિ કિલો હતો, જે 10 ઓક્ટોબરે ઘટીને રૂ. 52.99 થયો હતો. જથ્થાબંધ બજાર (Wholesale Market)માં પણ ડુંગળીના ભાવ ઊંચા સ્તરે રહ્યા છે.

મહારાષ્ટ્રમાંથી વધશે ડુંગળીની આવક

ડુંગળીના ભાવમાં રાહત મળવાની મુખ્ય આશા નવી ફસલની આવક પર ટકેલી છે. મહારાષ્ટ્રમાં ખરીફ પાકની આવક ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. ત્યારબાદ બજારમાં ડુંગળીનો પુરવઠો વધે તેવી અપેક્ષા છે.

કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી પણ નવેમ્બરના અંત સુધી ડુંગળીનો પુરવઠો ચાલુ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જૂના ડુંગળીના સ્ટોકથી પણ બજારની માગ પૂરી કરવામાં મદદ મળી શકે છે.

123 શહેરોમાં સરકાર વધારી રહી છે વેચાણ

ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી વેચાણનો વ્યાપ વધારીને 123 શહેરો સુધી કર્યો છે. સરકારનો ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન માગ વધે ત્યારે બજારમાં પૂરતો પુરવઠો જાળવવાનો અને ભાવમાં અચાનક ઉછાળો અટકાવવાનો છે.

સામાન્ય લોકોને ક્યારે મળશે રાહત?

જો નવી ફસલની આવક અને સરકારી વેચાણ ધારણા મુજબ વધશે, તો ઓક્ટોબરના અંતથી નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ પર દબાણ ઘટી શકે છે. જોકે, ભાવમાં કેટલો ઘટાડો થશે તે બજારમાં આવતી ડુંગળીના જથ્થા, માગ અને વિતરણ વ્યવસ્થા પર નિર્ભર રહેશે. હાલ ગ્રાહકોએ નોંધપાત્ર રાહત માટે થોડો સમય રાહ જોવી પડી શકે છે.

આ સમાચાર શેર કરો