ફુગાવો વધતા RBI લઈ શકે મોટો નિર્ણય, ઓક્ટોબર-ડિસેમ્બરમાં રેપો રેટ 0.50% વધવાની શક્યતા

મુંબઈ: દેશમાં ફરી એકવાર મોંઘવારી (Inflation) વધવાની શક્યતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વ્યાજ દર અંગે મોટો નિર્ણય લઈ શકે છે. વિશ્લેષકોના મતે, જો રિટેલ ફુગાવો (Retail Inflation) RBIની 6 ટકાની મહત્તમ મર્યાદાને પાર કરે છે, તો ઓક્ટોબર અને ડિસેમ્બરમાં યોજાનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકોમાં રેપો રેટ (Repo Rate)માં કુલ 50 બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચ્યા છે. બીજી તરફ, અલ નિનોની અસરને કારણે દેશમાં અનાજના ઉત્પાદન પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને પરિબળો આગામી મહિનાઓમાં મોંઘવારી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
એક વિશ્લેષકના અંદાજ પ્રમાણે, RBI ઓક્ટોબરની બેઠકમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. ત્યારબાદ ડિસેમ્બરમાં પણ વધુ 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવે તો રેપો રેટ કુલ 5.75 ટકા સુધી પહોંચી શકે છે.
આંકડા પ્રમાણે, જુલાઈમાં રિટેલ ફુગાવો 4.50 ટકા હતો, જે ઓગસ્ટમાં વધીને 4.82 ટકા થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં ફૂડ ઈન્ફ્લેશન પણ વધીને 5.66 ટકા થયું છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં શાકભાજીના ઊંચા ભાવોએ પણ મોંઘવારીનું દબાણ વધાર્યું છે.
તહેવારોની મોસમ શરૂ થવા પહેલા ડુંગળી, ખાદ્ય તેલ અને ખાંડના ભાવમાં પણ વધારો નોંધાયો છે. એક બેન્કરના જણાવ્યા પ્રમાણે, ખાદ્ય ચીજવસ્તુઓ અને તેલના ભાવમાં વધારો જળવાઈ રહ્યો તો ઓક્ટોબર-નવેમ્બરમાં રિટેલ ફુગાવો 6 ટકાને પાર કરી શકે છે.
SBI Researchના અહેવાલ મુજબ, રિટેલ ફુગાવો 6.50 ટકા સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ 2027ની શરૂઆતમાં ફરી 6 ટકાની અંદર આવી શકે છે. હાલમાં નાણાં વ્યવસ્થામાં (Money Market) પૂરતી લિક્વિડિટી ઉપલબ્ધ છે. આ વધારાની લિક્વિડિટીને કારણે ધિરાણ વૃદ્ધિ (Credit Growth) વધી શકે છે, જે મોંઘવારી પર વધુ દબાણ ઊભું કરી શકે છે.
આ ઉપરાંત FCNR ડિપોઝિટ સ્કીમને કારણે નાણાં વ્યવસ્થામાં આશરે 127 અબજ ડોલરનો ઈન્ફલો થયો હોવાનું જણાવાયું છે. વધતા ફુગાવા અને વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને આગામી MPC બેઠકો RBIની વ્યાજદર નીતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

