FCNR ડિપોઝિટનો ધમાકો! 31 ઓગસ્ટ સુધીમાં ડોલર ઈન્ફ્લો 127 અબજ ડોલરને પાર થતાં ફોરેક્સ રિઝર્વને મજબૂતી

ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) FCNR (B) ડીપોઝિટ સ્કીમ હેઠળ મૂડી પ્રવાહ વધી 127 અબજ ડોલર પાર કરી ગયાનો જાણકાર વર્તુળો દાવો કરી રહ્યા છે. 31 ઓગસ્ટના સમાપ્ત થયેલી આ સ્કીમને અપેક્ષા કરતા વધુ જોરદાર પ્રતિસાદ સાંપડયો છે. જે બેંકોએ થાપણ માટે કરાર કરી લીધા છે તેમને સ્વાપ ફેસિલિટીનો લાભ મેળવવા 11 સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.
સ્વાપ ડીપોઝિટની ઓછામાં ઓછી પાકતી મુદત ત્રણ વર્ષ અને વધુમાં વધુ મુદત પાંચ વર્ષની છે. જો કે મોટાભાગનો પ્રવાહ પાંચ વર્ષની મુદતમાં રહ્યો હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના સુત્રોએ જણાવ્યું હતું.
FCNR (B) ઉપરાંત એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ (ECB) તથા ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ્સ (OFCB) સ્કીમ હેઠળ 80 અબજ ડોલરનો પ્રવાહ થવાની અપેક્ષા રખાતી હતી પરંતુ FCNR (B) સ્કીમ હેઠળ જ ઈન્ફલો 27.22 અબજ ડોલરને પાર કરી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્રણેય સ્કીમ મળી કુલ ઈન્ફલો 31 ઓગસ્ટ સુધીમાં 136.37 અબજ ડોલર રહ્યો છે.
FCNR (B) સ્કીમ જે અગાઉ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થવાની હતી તે મુદતને ટૂંકાવી રિઝર્વ બેન્કે 31 ઓગસ્ટ કરી નાખી હતી.
સ્પેશિયલ ઈસીબી તથા ઓએફસીબી વિન્ડોસ 31 ડિસેમ્બર, 2026 સુધી ચાલુ રાખવામાં આવી છે. FCNR (B) સ્કીમ હેઠળ NRIને વળતર પર વેરામાંથી મુક્તિ અપાઈ છે.
FCNR (B) સ્કીમને પરિણામે દેશની બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ મજબૂત બની છે એટલું જ નહી ફોરેકસ રિઝર્વ પણ વધીને નવી વિક્રમી સપાટીએ જોવા મળ્યું છે.
FCNR (B) ડીપોઝિટની મુદત ટૂંકાવવાના પોતાના નિર્ણયનો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ નિર્ણય ગણતરીપૂર્વક લેવાયો છે. બજારની સ્થિતિમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવી પડયો હતો.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ આસમાને જતા ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે અને ચૂકવણીની સમતુલા પણ લથડી ગઈ હતી જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ડોલર પ્રવાહ વધારવા કેટલીક શરતો સાથે FCNR - B ડીપોઝિટ સ્કીમ શરૂ કરી હતી.
દરમિયાન FCNR (B) ડિપોઝિટના ફલોમાં વધારો થવાને પરિણામે ભંડોળ માટે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (CD) પર બેંકોની નિર્ભરતા ઘટી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત ડેટા પ્રમાણે જૂનમાં રૂપિયા 1.80 ટ્રિલિયનની સરખામણીએ બેંકો તથા નાણા સંસ્થાઓએ જુલાઈમાં CD મારફત રૂપિયા 95,000 કરોડ ઊભા કર્યા હતા અને ઓગસ્ટનો આંક પણ નીચો રહ્યો હોવાનું માનવામાં આવે છે.

