મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; ઝવેરી બજારમાં સોનામાં ₹2,600 અને ચાંદીમાં ₹12,500નો ઘટાડો

વૈશ્વિક પડકારો અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ વચ્ચે સોના

તસવીર: gstv

વૈશ્વિક પડકારો અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી માર્કેટથી લઈને ઝવેરી બજાર સુધી સોના-ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિના ભાવમાં કડાકો બોલી ગયો છે.

MCX : સોનાના ભાવમાં રૂ.3382 ઉથલ-પાથલ

MCXના 05 ઓક્ટોબર 2026ના Gold Futuresમાં રાત્રે 9.00 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ 152,247 પર ટ્રેડ કરી રહ્યો હતો. અગાઉના સેશનમાં સોનું 154,460 પર બંધ થયું હતું, એટલે 9.00 વાગ્યા સુધીમાં રૂ.2,213નો ઘટાડો નોંધાયો હતો. સોનું 154,304 પર ખૂલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ 154,783ની ઊંચી અને 151,401ની નીચી સપાટી નોંધાવી હતી. એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં રૂ.3,382ની ઉથલ-પાથલ જોવા મળી હતી.

MCX : ચાંદીના ભાવમાં રૂ.6900 ઉથલ-પાથલ

MCX પર રાત્રે 9.00 વાગ્યા સુધીમાં ચાંદીનો ભાવ 230,094 પર ટ્રેડ કરી રહ્યો હતો. અગાઉના સેશનમાં ચાંદી 233,841 પર બંધ થઈ હતી, એટલે 9.00 વાગ્યા સુધીમાં રૂ.3,747નો ઘટાડો નોંધાયો હતો. ચાંદી 234,420 પર ખૂલી હતી. દિવસ દરમિયાન ચાંદીએ 235,800ની ઊંચી અને 228,900ની નીચી સપાટી નોંધાવી હતી. એટલે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ.6,900ની ઉથલ-પાથલ જોવા મળી હતી.

સ્થાનિક ઝવેરી બજારમાં સોનું સસ્તું થયું

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગઈકાલ સાંજની સરખામણીએ આજે સાંજ સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ 2652 રૂપિયા ઘટીને 1,53,183 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 2350 રૂપિયા ઘટીને 1.40 લાખ રૂપિયા થયો છે, જ્યારે 18 કેરેટ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો ઘટાડો નોંધાતા તે 1,14,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

ઝવેરી બજારમાં ચાંદીમાં ભારે ઘટાડો

સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંમતમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. ગઈકાલ સાંજની તુલનામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 12,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના પગલે ચાંદીનો ભાવ ઘટીને 2,30,400 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓ નરમ

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1.58% ઘટીને 4,410.14 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જ્યારે ચાંદીનો ભાવ 2.50% ઘટીને 65.333 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયો છે.

ભાવ ઘટવા પાછળના 3 મુખ્ય કારણો

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓનું નબળું પડવું છે.
આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 5%નો ઉછાળો આવતા ડોલર મજબૂત થયો છે, જેની સીધી નકારાત્મક અસર સોના-ચાંદી પર પડી છે.
વળી, સ્થાનિક સ્તરે માંગ ઘટવાને કારણે પણ બજારમાં મંદી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો