ટૂંક સમયમાં અનિચ્છનીય કોલ્સ અને SMSથી મળશે છુટકારો, સરકાર જાહેર કરશે ગાઈડલાઈન
ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે પ્રમોશનલ ફોન કૉલ્સ અને એસએ

ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે પ્રમોશનલ ફોન કૉલ્સ અને એસએમએસ જેવા અનિચ્છનીય અને વણજોઈતા કોમર્શિયલ સંદેશાવ્યવહારને રોકવા માટે ડ્રાફ્ટ ગાઈડલાઈન પર 21 જુલાઈ સુધી ટિપ્પણીઓ આમંત્રિત કરી છે.આ ગાઈડલાઈન, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને નિયમનકારો સહિત તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગાઈડલાઈન વ્યવસાયિક સંચાર સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને લાગુ પડશે. ડ્રાફ્ટ ગાઈડલાઈન અનુસાર, કોઈપણ કોમર્શિયલ સંદેશાવ્યવહાર કે જે વ્યક્તિની સંમતિ અથવા નોંધાયેલ પસંદગીઓને ધ્યાનમાં લેતું નથી તેને અવાંછિત અને વણજોઈતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
આ સિવાય અનરજિસ્ટર્ડ નંબરો અથવા એસએમએસ હેડર્સનો ઉપયોગ કરવો, ડુ નોટ ડિસ્ટર્બ પસંદ કરવા છતાં કૉલ કરવો, ડિજિટલ સંમતિ ન લેવી, કૉલર અને કોલ કરવાના હેતુની ઓળખ ન કરવી અને સંમતિ રોકવાનો વિકલ્પ ન આપવો તે પણ અનિચ્છનીય કોલ-મેસેજ ગણાશે અને આ તમામને બિઝનેસ કોમ્યુનિકેશનની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે રજિસ્ટર્ડ ટેલીમાર્કેટિંગ કંપનીઓ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના 2018 ના 'ડૂ નોટ ડિસ્ટર્બ' (DND) ના નિયમો અસરકારક છે, પરંતુ 10-અંકના ખાનગી નંબરનો ઉપયોગ કરીને અનરજિસ્ટર્ડ માર્કેટિંગ કંપનીઓના કૉલ્સ અને સંદેશાઓ ચાલુ રહે છે. ડ્રાફ્ટ ગાઈડલાઈનમાં આવા ટ્રાઈના નિયમોનું ઉલ્લંઘન કરતા સંદેશાવ્યવહારને અવરોધિત કરવાની જોગવાઈ પણ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર ગ્રાહકના હિત અને અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને ઝડપથી વિકસતા મોટા ઉપભોક્તા ક્ષેત્રમાં. ડ્રાફ્ટ માર્ગદર્શિકાનો ઉદ્દેશ ગ્રાહકોને આક્રમક અને અનધિકૃત માર્કેટિંગથી બચાવવાનો છે.








