Budget 2026: નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ, બજેટના દિવસે રવિવારે પણ થશે શેરોની લે-વેચ; જાણો માર્કેટનો સમય

Budget 2026: સામાન્ય રીતે શેરબજાર શનિવાર અને રવિવારે બંધ હોય છે. પરંતુ આ વર્ષે બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે. આને ધ્યાનમાં રાખીને BSE અને NSEએ રોકાણકારો અને ટ્રેડિંગ મેમ્બર્સ માટે એક ખાસ સર્ક્યુલર જાહેર કર્યો છે.
આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દિવસે રવિવાર છે. સામાન્ય દિવસોમાં શેરબજાર શનિવાર અને રવિવારે બંધ રહે છે, પરંતુ બજેટના આ ખાસ દિવસે એટલે કે રવિવારે સ્થાનિક શેરબજારમાં 'સ્પેશિયલ ટ્રેડિંગ ડે' જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે, આ દિવસે કારોબાર થશે. BSE એ શુક્રવારે એક તાજા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટ 2026 ને કારણે 1 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ના રોજ માર્કેટ રેગ્યુલર ટ્રેડિંગ કલાકો માટે ખુલ્લું રહેશે.
NSEએ પણ બહાર પાડ્યું સર્ક્યુલર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ પણ 1 ફેબ્રુઆરીએ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનના આયોજનની જાહેરાત કરી છે. માર્કેટ રેગ્યુલર સમય મુજબ જ ખુલશે, જેનો અર્થ છે કે પ્રી-ઓપન માર્કેટ સવારે 9:00 થી 9:08 સુધી રહેશે અને સામાન્ય ટ્રેડિંગ સવારે 9:15 થી બપોરે 3:30 સુધી ચાલશે.
નિર્મલા સીતારમણ રચશે રેકોર્ડ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 12 જાન્યુઆરીએ પુષ્ટિ કરી હતી કે કેન્દ્રીય બજેટ 2026, 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે, જે એક રેકોર્ડ હશે. અગાઉ 2015, 2020 અને 2025માં પણ જ્યારે બજેટ શનિવારે આવ્યું હતું, ત્યારે શેરબજાર ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેથી રોકાણકારો બજેટની જાહેરાતો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે.

