મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવારને જેલની સજા, આવો છે આરોપ

સ્વિસ કોર્ટે બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવાર હિન્દુજા પરિવારના ચાર સભ્યોને જીનીવામાં તેમના ઘરે ભ

બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવારને જેલની સજા, આવો છે આરોપ

સ્વિસ કોર્ટે બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવાર હિન્દુજા પરિવારના ચાર સભ્યોને જીનીવામાં તેમના ઘરે ભારતીય કામદારોનું શોષણ કરવા બદલ જેલની સજા ફટકારી છે. હિન્દુજા દંપતીને માનવ તસ્કરીના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ અન્ય આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હિન્દુજા પરિવાર લગભગ 37 બિલિયન પાઉન્ડ ($47 બિલિયન) સંપત્તિનો માલિક છે.

ન્યાયાધીશના નિર્ણયમાં પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ હિન્દુજાને 4 વર્ષ અને 6 મહિનાની જ્યારે તેમના પુત્ર અજય અને તેમની પત્ની નમ્રતાને 4 વર્ષની સજા થઈ છે. આ કેસો તેમના મૂળ દેશ, ભારતમાંથી નોકરોને લાવવાની કુટુંબની પ્રથામાંથી ઉદ્ભવે છે, સાથે તેઓ સ્વિટ્ઝર્લેન્ડ ગયા પછી તેમના નોકરોના પાસપોર્ટ જપ્ત કરવાના આરોપ પણ તેમની ઉપર લગાવવામાં આવ્યા છે. 

હિન્દુજા પરિવાર પર શું છે આરોપ?

આ કેસમાં સ્વિસ એડમિનિસ્ટ્રેશન તરફથી હાજર રહેલા સરકારી વકીલ યવેસ બર્ટોસાએ કોર્ટમાં કહ્યું કે, 'તેઓ (હિન્દુજાપરિવાર) તેમના એક કૂતરાના જાળવણી અને ખોરાક પાછળ 10 હજાર યુએસ ડોલર (8.5 લાખ રૂપિયા) વધુ ખર્ચ કરે છે. જ્યારે ઘરના નોકરને માત્ર 7.84 ડોલર એટલે કે દિવસના 18 કલાક કામ કરવા માટે માત્ર 655 રૂપિયા પ્રતિદિન મળતા હતા.

બર્ટોસાએ જણાવ્યું હતું કે ઘણા નોકરોને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું હતું અને તેમને સ્વિસ ફ્રેંક નહીં પણ ભારતીય રૂપિયામાં પગાર આપવામાં આવતો હતો.

હિન્દુજા પરિવારના વકીલોએ શું કહ્યું?

હિન્દુજા પરિવારના વકીલોએ ઓછા પગારના આરોપોને નકારી કાઢ્યા નથી, પરંતુ કહ્યું છે કે ફિક્સ પગારમાં રહેવા અને ભોજનનો પણ સમાવેશ થાય છે. તેમના પર લાંબા કલાકો સુધી કામ કરાવવાના આરોપો પર તેમના વકીલે કહ્યું કે બાળકો સાથે ફિલ્મો જોવાને કામ ન ગણી શકાય.

આ વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે લોકોને પીડિત ગણાવવામાં આવી રહ્યા છે તેઓ અનેક પ્રસંગોએ હિન્દુજા પરિવાર માટે કામ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું, આ દર્શાવે છે કે દરેક કામના વાતાવરણથી સંતુષ્ટ હતા.

જો કે, કોર્ટે આ આરોપને સાચો ગણાવ્યો હતો કે હિન્દુજા પરિવારમાં કામ કરતા નોકરોના પાસપોર્ટ ઝડપી લેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તેઓ મુક્તપણે ક્યાંય ફરી શકતા ન હતો. આ આરોપ હિન્દુજા પરિવાર માટે મુશ્કેલ બન્યું કારણ કે સ્વિસ કાયદામાં તેને માનવ તસ્કરી ગણવામાં આવે છે. આ કારણોસર હિન્દુજા પરિવારને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

હિન્દુજા પરિવાર કોણ છે?

હિન્દુજા ગ્રૂપનો પાયો પરમાનંદ દીપચંદ હિન્દુજા દ્વારા નાખવામાં આવ્યો હતો, જેનો જન્મ અવિભાજિત ભારતમાં સિંધના પ્રખ્યાત શહેર શિકારપુરમાં થયો હતો. વર્ષ 1914માં તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ધીરે ધીરે તેમનો બિઝનેસ વિશ્વના અન્ય દેશોમાં પણ વિસ્તર્યો. વર્ષ 1919 માં, તેમણે પોતાનો આંતરરાષ્ટ્રીય વ્યવસાય વિસ્તાર્યો અને ઈરાનમાં ઓફિસ ખોલી. 1979 સુધી હિન્દુજા ગ્રુપનું હેડ ક્વાર્ટર ઈરાનમાં રહ્યું. આ પછી પરિવાર યુરોપ ગયો.

પરમાનંદ દીપચંદ હિન્દુજા પછી, તેમના ત્રણ પુત્રો - શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ હિંદુજાએ કંપની સંભાળી. હિન્દુજા પરિવારે બ્રિટનમાં રેફલ્સ નામની હોટલ સહિત અનેક કિંમતી મિલકતો ખરીદી હતી. આ હોટેલ બ્રિટિશ વડાપ્રધાનના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટથી થોડાક જ મીટર દૂર છે.

હિન્દુજા ગ્રૂપ આઇટી, મીડિયા, વીજળી, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવે છે. ફોર્બ્સ અનુસાર, હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ 20 અબજ ડોલર છે.

આ સમાચાર શેર કરો