ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં મોટો ઉછાળો, હવે વધીને આટલા અબજ ડોલર સુધી પહોંચ્યો
ફોરેન એક્સચેન્જ રિઝર્વ ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. ભારતીય

ફોરેન એક્સચેન્જ રિઝર્વ ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે વિદેશી મુદ્રા ભંડારનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ 7 જૂન, 2024ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $4.307 બિલિયન વધીને $655.817 બિલિયન પર પહોંચી ગયો છે, જે ગત સપ્ચાહ 651.5 બિલિયન ડૉલર હતો.
ઓલ ટાઈમ હાઈ પર ફોરેક્સ રિઝર્વ
14 જૂન, 2024ના રોજ, બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર આરબીઆઈએ વિદેશી વિનિમય અનામતનો ડેટા જાહેર કર્યો છે. આ આંકડાઓ અનુસાર, 7 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં $4.30 બિલિયનનો વધારો થયો છે અને તે $655.817 બિલિયનની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન વિદેશી ચલણની સંપત્તિમાં પણ વધારો થયો છે અને તે 3.77 અબજ ડોલર વધીને 576.33 અબજ ડોલર થયો છે. RBI ગોલ્ડ રિઝર્વમાં પણ ઉછાળો આવ્યો છે અને તે 481 મિલિયન ડૉલર વધીને 56.98 બિલિયન ડૉલર થયો છે. SDR 43 મિલિયન ડોલર વધીને 18.16 બિલિયન ડોલર અને IMF પાસે અનામત 10 મિલિયન ડોલર વધીને 4.33 બિલિયન ડોલર થયું છે.
એક્સટર્નલ ઈન્ડિકેટર્સમાં સુધારો
7 જૂનના રોજ આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત કરતા ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અમે અમારી એક્સટર્નલ ફાઇનેન્સિંગની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકીશું. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ આરબીઆઈ સ્થાનિક ચલણને અંકુશમાં લેવા અથવા ડોલર સામે ચલણમાં ઘટાડાને રોકવા માટે હસ્તક્ષેપ કરે છે ત્યારે વિદેશી મુદ્રા ભંડારમાં ફેરફાર જોવા મળે છે. આ પહેલા કરન્સી માર્કેટ એક ડોલરના મુકાબલે 83.56 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. ગયા સત્રમાં પણ ચલણ આ સ્તરે બંધ થયું હતું.






