ભારતમાં WhatsApp બંધ થશે? આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું
સંસદમાં પૂછાયેલા સવાલ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મેસેજિંગ પ્લેટફ

સંસદમાં પૂછાયેલા સવાલ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp બાબતે મોટું અપડેટ આપ્યું છે. કોંગ્રેસના નેતા વિવેક ટંઢાએ સંસદમાં પૂછ્યું હતું કે શું WhatsApp તેના યુઝર્સની વિગતો શેર કરવા માટે સરકારની સૂચનાઓનું પાલન ન કરવા બદલ ભારતમાં તેની સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને ચેતવણી આપી હતી કે, જો કંપનીને મેસેજનું એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ નિવેદન બાદ ભારતમાં વોટ્સએપ યુઝર્સ ટેન્શનમાં હતા.
મેટાએ ભારતના નવા આઈટી નિયમોને સીધો પડકાર ફેંક્યો હતો. મેટા વતી કહેવામાં આવ્યું હતું કે આ નિયમો ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ પછી આઈટી મંત્રીએ જણાવ્યું કે, મેટાએ ભારતમાં તેની વોટ્સએપ સેવા બંધ કરવા અંગે સરકારને કોઈ માહિતી આપી નથી. આઈટી મંત્રીનું આ નિવેદન કોંગ્રેસ નેતા વિવેક ટંઢા દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર આવ્યું છે.
આઈટી મંત્રીએ સદનમાં સ્પષ્ટતા કરી છે કે, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંબંધિત સરકારની સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ નિયમો ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા અને અન્ય દેશો સાથે મિત્રતા જાળવી રાખવા માટે છે. આ સિવાય કોઈ પણ ગતિવિધિને રોકવા માટે છે જે સાર્વજનિક વ્યવસ્થા ઉપરાંત અપરાધિક બાબતોને ઉત્તેજના આપતી હોય.
જણાવી દઈએ કે, મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પહેલેથી જ મેસેજિંગ ટેક્નોલોજી અપનાવવા બદલ ભારતની પ્રશંસા કરી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા છે. ભારત 400 મિલિયન યુઝર્સ સાથે WhatsAppનું સૌથી મોટું બજાર છે. આ કારણથી બંને એકબીજા માટે ખૂબ મહત્વ ધરાવે છે.






