મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Fact Check: શું ખરેખર મોબાઈલ રેડિયેશન 30 દિવસમાં મગજના કોષોને કરે છે ગંભીર નુકસાન?

સોશિયલ મીડિયા પર દરરોજ તમામ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવે છે. આમાંની મોટાભાગની પોસ્ટ ખોટી અને પાયાવિહોણી હોય છે

Fact Check: શું ખરેખર મોબાઈલ રેડિયેશન 30 દિવસમાં મગજના કોષોને કરે છે ગંભીર નુકસાન?

સોશિયલ મીડિયા પર દરરોજ તમામ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવે છે. આમાંની મોટાભાગની પોસ્ટ ખોટી અને પાયાવિહોણી હોય છે. હવે સોશિયલ મીડિયા પર એક નવો દાવો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મોબાઈલ રેડિયેશન માત્ર 30 દિવસમાં મગજના કોષોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ દાવો વૈજ્ઞાનિકોને ટાંકીને કરવામાં આવી રહ્યો છે. ચાલો સમજીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે?

સોશિયલ મીડિયા પોસ્ટમાં શું દાવો છે?

"વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ફોન રેડિયેશન માત્ર 30 દિવસમાં મગજના કોષોને એટલી મોટી માત્રામાં નુકસાન પહોંચાડે છે કે તે માઇક્રોસ્કોપ હેઠળ સરળતાથી દેખાય છે." લોકો આ પોસ્ટને ખૂબ શેર કરી રહ્યા છે, પરંતુ સત્ય કંઈક બીજું છે.

આ દાવાની સત્યતા શું છે?

અત્યાર સુધી વૈજ્ઞાનિક સંશોધનમાં મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે મિશ્ર મંતવ્યો બહાર આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને યુએસ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) જેવી સંસ્થાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે "મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિયો તરંગો 'નોન-આયનાઇઝિંગ રેડિયેશન' છે, જે સીધા DNA ને નુકસાન પહોંચાડતા નથી."

કેટલાક મર્યાદિત સંશોધનોએ લાંબા ગાળાના, ઉચ્ચ-સ્તરના રેડિએશનના સંપર્કથી ચેતા કોષો પર અસરો દર્શાવી છે, પરંતુ આ અસરો ચોક્કસ પ્રયોગશાળા પરિસ્થિતિઓ હેઠળ જોવા મળી છે અને માનવોમાં સીધી રીતે પ્રમાણ નથી મળ્યું.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ

નોન-આયનાઇઝિંગ રેડિયેશનમાં મોબાઇલ રેડિયેશનનો સમાવેશ થાય છે જે ત્વચામાં ઊંડે સુધી પ્રવેશતું નથી. ગરમી ઉત્પન્ન કરી શકે છે, પરંતુ મગજના કોષોનો "સીધો નાશ" કરતું નથી. ICNIRP (ઇન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયનાઇઝિંગ રેડિયેશન પ્રોટેક્શન) અનુસાર, "એવા કોઈ ખાતરીપૂર્વક પુરાવા નથી કે મોબાઇલ રેડિયેશન મગજ પર લાંબા ગાળાની ગંભીર અસરો ધરાવે છે."

વાયરલ તસવીર અને તેની પાછળની વાસ્તવિકતા

વાયરલ તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે "30 દિવસમાં માઈક્રોસ્કોપિથી દૃશ્યમાન નુકસાનનું કારણ બને છે". આ માટે કોઈ વૈજ્ઞાનિક સ્ત્રોત કે અભ્યાસ લિંક આપવામાં આવી નથી. આ એક પ્રકારની ભય ફેલાવતા કન્ટેન્ટ છે.

આ સમાચાર શેર કરો