Tech: રોબોટ્સ અને AI દુનિયાનું ભવિષ્ય! એલોન મસ્ક 10 લાખ ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટની ફોજ કરશે ઉભી
માણસ જેવા જ ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટ દુનિયાનું

માણસ જેવા જ ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટ દુનિયાનું ભવિષ્ય છે તેવો દાવો કરતા દુનિયાના સૌથી ધનિક અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સ્પષ્ટ કર્યું કે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ દુનિયામાં તેમના ઓપ્ટિમસ રોબોટ્સ આગામી મોટો કૂદકો હશે. આ રોબોટ્સ એક દિવસ ગરીબી નાબૂદ કરવામાં પણ મદદરૂપ થશે. રોબોટ્સ અને એઆઈ દુનિયાનું આગામી ભવિષ્ય હોવા અંગે હવે કોઈએ આશ્ચર્ય કરવું જોઈએ નહીં. હવે ટેસ્લાનું વિઝન સ્વચ્છ ઊર્જા અને સેલ્ફ-ડ્રાઈવિંગ કારથી આગળ વધીને હ્યુમનોઈડ રોબોટ છે.
2026ના પ્રારંભમાં કરશે ઓપ્ટીમસની ત્રીજી આવૃત્તિ રજૂ
અરબપતિ ઉદ્યોગ સાહસિક ઈલોન મસ્કે જણાવ્યું હતું કે આગામી ભવિષ્યમાં માનવ સમાન એટલે કે હ્યુમનોઈડ રોબોટસ ટેસ્લાની લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચનાના કેન્દ્રમાં હશે, જે કંપનીના ઇલેક્ટ્રીક વાહનો પરના ફોકસમાં એક પરિવર્તન બની રહેશે. મસ્કે જાહેરાત કરી હતી કે, વર્ષ 2026ના પ્રારંભ સુધીમાં ઓપ્ટિમસની ત્રીજી આવૃત્તિ રજૂ કરાશે. ટેસ્લાના માલિક ઈલોન મસ્કને વાર્ષિક 10 લાખ ઓપ્ટિમસ હ્યુમનોઈડ રોબોટસનું ઉત્પાદન શરૂ થવાની ધારણા છે.
આ રોબોટ્સનું પરિક્ષણ ટેસ્લાની ફેક્ટરીઓમાં થશે
ઈલોન મસ્કે કહ્યું કે, ઓપ્ટિમસ રોબોટ્સ માણસ જેવા દેખાવા, ચાલવા અને વિચારવા ડિઝાઈન કરયા છે. તેમની બોડીમાં એઆઈ વિઝન સિસ્ટમ અને ન્યુરલ નેટવર્ક્સ લાગેલા હશે, જે માણસો જેવી મુવમેન્ટ અને નિર્ણયો લેવા સક્ષમ હશે. તેમણે ઉમેર્યું કે, ઓપ્ટિમસ રોબોટ્સમાં અત્યાર સુધીની સૌથી મોટી પ્રોડક્ટ બની રહેવાની ક્ષમતા છે. આ રોબોટસ માનવી કરતા પાંચ ગણી વધુ ક્ષમતાથી કામ કરશે. આ રોબોટ્સ અસાધારણ સર્જન પણ હશે, જે ડૉક્ટરની જેમ સર્જરી કરવા સક્ષમ હશે. આ રોબોટ્સને શરૂઆતમાં ટેસ્લાની ફેક્ટરીઓમાં લગાવાશે, પછી બજારમાં તેને લોન્ચ પણ કરાશે.
વધુ શ્રમવાળા કાર્યો કરશે આ રોબોટ
ટેસ્લાના ઓપ્ટિમસ રોબોટસ દેખાવમાં અને કામ કરવામાં લગભગ માણસ જેવા જ હશે અને એ વારંવાર કરવા પડે અથવા માણસ માટે શારીરિક રીતે પડકારરૂપ હોય તેવા કામ કરી શકશે. મસ્કના જણાવવા મુજબ રોબોટસ સમયાંતરે ઉત્પાદન અને લોજિસ્ટિક્સથી લઇને હેલ્થકેર અને ઘરેલુ કામમાં મદદ સુધીની બહોળી દૈનિક ભૂમિકા ભજવશે. એને લીધે એક એવી દુનિયા સર્જાશે જેમાં ગરીબી નહિ હોય અને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ તબીબી સારવાર મેળવી શકશે. ઓપ્ટિમસ રોબોટસ અતુલનીય સર્જન્સ તરીકેની સેવા પણ બજાવી શકશે. જોકે, હ્યુમનોઈડ રોબોટ્સથી ગરીબી કેવી રીતે નાબૂદ થશે તે સમજાવવામાં ઉદ્યોગપતિ ઈલોન મસ્ક નિષ્ફળ ગયા હતા.
વર્ષ 2023માં ટેસ્લાની ઇવેન્ટસમાં રોબોટસની પહેલી પ્રતિકૃતિઓનું ડેમોન્સ્ટ્રેશન થયું ત્યારે ઓપ્ટિમસ પ્રોજેક્ટે પહેલીવાર બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે રોબોટસ વસ્તુઓ લઇને ચાલતા અને સરળ કામો પાર પાડતા જોવા મળ્યા હતા. એમના ડેવલપમેન્ટમાં ગતિ આવી છે અને ઓપ્ટિમસ યુનિટસનું હવે ટેસ્લાની ફેક્ટરીઓમાં ચેકિંગ થાય છે. આ રોબોટ્સ જલ્દી જ માનવી જેવી દક્ષતા અને નિર્ણય લેવાની ક્ષમતા સાથે સ્વતંત્ર રીતે કામ કરતા થઇ જશે એમ મસ્કે જણાવ્યું હતું.








