VIDEO: Tech/ હવે કોમેન્ટમાં થયેલી ભૂલ સુધારી શકાશે! ઈન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, જાણો શું છે તેના નિયમ!
ઇન્સ્ટાગ્રામ દ્વારા આખરે એ ફીચર લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ નવા ફીચરની મદદથી યુઝર્સ અને ક્રિએટર્સ પોતાની કોમેન્ટ પોસ્ટ કર્યા પછી પણ તેને એડિટ (સુધારો) કરી શકશે.
સામાન્ય રીતે પોસ્ટ પર ભૂલથી કોઈ ખોટી કોમેન્ટ થઈ જતી હોય છે. ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચરની મદદથી હવે ટાઈપિંગમાં થયેલી ભૂલ કે અન્ય કોઈ ક્ષતિ સુધારી શકાશે.
માત્ર 15 મિનિટનો મળશે સમય
ઇન્સ્ટાગ્રામ દ્વારા જાહેર કરવામાં આવેલું આ ફીચર માત્ર 15 મિનિટ માટે જ કામ કરશે. એટલે કે, જો યુઝર્સ કોમેન્ટ કર્યાની 15 મિનિટની અંદર ઇચ્છે તો જ તેમાં સુધારો કરી શકશે.
પ્લેટફોર્મ પર પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઇન્સ્ટાગ્રામ 'એડિટ ટેગ'નો ઉપયોગ કરશે. જો કોઈ યુઝર તેની કોમેન્ટ એડિટ કરે છે, તો અન્ય લોકોને ખબર પડશે કે આ કોમેન્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.
કોમેન્ટ અપડેટ માટેના નિયમો:
કોમેન્ટ એડિટ કરવા માટે 15 મિનિટની ટાઈમ લિમિટ મળશે.
આ સમય મર્યાદામાં યુઝર્સ અમર્યાદિત વખત ફેરફાર કરી શકશે.
એડિટ કરવાની સુવિધા માત્ર ટેક્સ્ટ (લખાણ) પર જ લાગુ છે.
જો કોમેન્ટમાં ફોટો કે અન્ય મીડિયા હશે, તો તેને એડિટ કરી શકાશે નહીં.
એડિટ કરેલી કોમેન્ટ પર ‘Edited’ એવું ટેગ જોવા મળશે.
કેવી રીતે એડિટ કરી શકાશે કોમેન્ટ?
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરેલી કોમેન્ટને એડિટ કરવી ખૂબ જ સરળ હશે.
સૌ પ્રથમ તમારી કોમેન્ટ પર થોડી સેકન્ડ માટે ટેપ (દબાવી) કરી રાખો.
ત્યારબાદ સ્ક્રીન પર નવા ઓપ્શન ખુલશે, જેમાં 'એડિટ' (Edit) નો વિકલ્પ જોવા મળશે.
તેના પર ક્લિક કરીને તમે તમારી ભૂલ સુધારી શકશો.
કોમેન્ટ એકવાર એડિટ થયા પછી તેના પર 'એડિટેડ' ટેગ દેખાવા લાગશે. કંપનીએ જણાવ્યું છે કે, એકવાર ફેરફાર કર્યા પછી કોઈ પણ યુઝર ઓરિજિનલ (જૂની) કોમેન્ટ જોઈ શકશે નહીં.

