ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ વિધિવત રીતે થયું રવાના, તેલંગાણાના CMએ બતાવી લીલી ઝંડી
ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ને આજે

ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ને આજે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી દ્વારા હૈદરાબાદ સ્થિત કંપનીના મેક્સ-ક્યૂ કેમ્પસમાંથી વિધિવત રીતે રવાના કરવામાં આવ્યું હતું. આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રોકેટના સ્પેસ-રેડી 'પેલોડ ફેરિંગ'ને લીલી ઝંડી બતાવી હતી. પેલોડ ફેરિંગ એવું માળખું છે જે ઉડાન દરમિયાન રોકેટની અંદર રહેલા ઉપગ્રહોને સુરક્ષિત રાખે છે.
સ્કાયરૂટના કર્મચારીઓનું સંબોધન
સ્કાયરૂટના કર્મચારીઓને સંબોધતા તેલંગાણાના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ પ્રસંગ તેલંગાણાને એરોસ્પેસ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર વૈશ્વિક યુનિવર્સિટીઓ અને ઉદ્યોગના અગ્રણી ભાગીદારો સાથે સહયોગ કરી યુવાનોને એરોસ્પેસ ક્ષેત્રમાં કૌશલ્યબદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મજબૂત નીતિઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર સ્કાયરૂટ જેવી કંપનીઓને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.
પ્રી-ફ્લાઇટ ટેસ્ટિંગ પૂર્ણ
ફ્લાઇટ હાર્ડવેરના ફ્લેગ-ઓફ સાથે સ્કાયરૂટની સુવિધાઓ ખાતે પ્રી-ફ્લાઇટ ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રોકેટના પ્રપલ્શન સ્ટેજિસ પહેલેથી જ શ્રીહરિકોટા સ્થિત સ્પેસપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવ્યા છે. સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદનાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા વિક્રમ-1 રોકેટને રવાના કરવામાં આવ્યું તે ગૌરવની બાબત છે. આ લોન્ચ ભારતના ઉભરતા ખાનગી સ્પેસ-ટેક ઉદ્યોગ માટે સીમાચિહ્ન સાબિત થશે. વિક્રમ-1 દ્વારા અમે ઓન-ડિમાન્ડ સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી અવકાશને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આગામી ઉડાન વિક્રમ-1 મિશનોની શ્રેણીમાં પ્રથમ છે, જે સ્કાયરૂટને વૈશ્વિક સેટેલાઇટ ઓપરેટર્સ માટે નિયમિત કોમર્શિયલ લોન્ચ સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ લોન્ચ ઇન-સ્પેસ (IN-SPACe) ની મંજૂરી હેઠળ અને ઇસરો (ISRO) ની ટેકનિકલ દેખરેખ હેઠળ યોજાશે.
સ્કાયરૂટ એરોસ્પેસ વિશે
સ્કાયરૂટ એરોસ્પેસ એક ખાનગી સ્પેસ લોન્ચ કંપની છે, જે વિશ્વભરના નાના સેટેલાઇટ ઓપરેટરો માટે સ્પેસમાં 'ઓન-ડિમાન્ડ' અને 'વિક્રમ' શ્રેણીના લોન્ચ વ્હીકલ (રોકેટ) બનાવી રહી છે. પવન કુમાર ચંદના અને નાગા ભરત ડાકા દ્વારા સ્થાપિત આ કંપનીનો હેતુ રોકેટની આખી શ્રેણી ડિઝાઇન, વિકસિત અને લોન્ચ કરીને અવકાશમાં પહોંચવાની પ્રક્રિયાને વધુ સુલભ બનાવવાનો છે.
સ્કાયરૂટ કંપનીએ વર્ષ 2022 માં 'વિક્રમ-એસ' (Vikram-S) લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો, જે અવકાશમાં પહોંચનાર ભારતનું પ્રથમ ખાનગી રોકેટ હતું. કંપની હવે તેના ઓર્બિટલ લોન્ચ વ્હીકલ 'વિક્રમ-1' (Vikram-1) ની પ્રથમ ઉડાન માટે તૈયારી કરી રહી છે, જે ઓર્બિટલ મિશન (કક્ષામાં પહોંચવા) માટે ભારતનો પ્રથમ ખાનગી પ્રયાસ હશે.
વિક્રમ-1 ની વિશેષતાઓ:
તે લો અર્થ ઓર્બિટમાં 350 કિલોગ્રામ સુધીના નાના ઉપગ્રહોને સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
તે સંપૂર્ણપણે કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચરથી બનેલું છે અને ઇન-હાઉસ વિકસિત સોલિડ અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે.
તેમાં 3D-પ્રિન્ટેડ એન્જિનનો ઉપયોગ થયો છે, જે ઝડપી ઉત્પાદન અને ઉચ્ચ લોન્ચિંગ ક્ષમતા માટે એન્જિનિયર કરવામાં આવ્યું છે.
સ્કાયરૂટની ટેકનોલોજીમાં કાર્બન કમ્પોઝિટ રોકેટ સ્ટ્રક્ચર અને સોલિડ (કલામ શ્રેણી), લિક્વિડ (રમન શ્રેણી) અને ક્રાયોજેનિક (ધવન શ્રેણી) પ્રોપલ્શન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ તમામ હૈદરાબાદ (તેલંગાણા) માં સ્થિત તેના 2,50,000 સ્ક્વેર ફૂટના 'મેક્સ-ક્યૂ' (Max-Q) અને 'ઇન્ફિનિટી' કેમ્પસમાં ઇન-હાઉસ વિકસાવવામાં આવ્યા છે.
કંપનીએ GIC અને ટેમાસેક (Temasek) જેવા મોટા વૈશ્વિક રોકાણકારો પાસેથી અંદાજે 100 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. કંપનીનું મિશન સ્પેસફ્લાઇટને હવાઈ મુસાફરી જેટલું જ નિયમિત, વિશ્વસનીય અને સસ્તું બનાવવાનું છે. જેથી અવકાશ સૌના માટે ઉપલબ્ધ બની શકે.







