શું ખરેખર WhatsApp સુરક્ષિત નથી? ઈલોન મસ્ક અને ટેલિગ્રામના CEOએ WhatsAppની પ્રાઇવસી પર ઉઠાવ્યા ગંભીર સવાલો

સોશિયલ મીડિયાના દિગ્ગજ નેતાઓ વચ્ચે ફરી એકવાર શાબ્દિક ટપાટપી થઈ છે, અને આ વખતે નિશાન પર છે દુનિયાનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp. એક્સ (X) ના માલિક ઈલોન મસ્ક અને ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવે વોટ્સએપની સુરક્ષા અને પ્રાઇવસી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત અમેરિકાના કેલિફોર્નિયામાં વોટ્સએપ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા એક ક્લાસ એક્શન કેસથી થઈ છે. બ્રાયન વાય. શીરાઝી અને નિદા સેમસન નામના બે યુઝર્સે ફેડરલ કોર્ટમાં ફરિયાદ કરી છે કે વોટ્સએપ તેના યુઝર્સ સાથે છેતરપિંડી કરી રહ્યું છે.
શું વોટ્સએપ મેસેજ વાંચે છે?
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વોટ્સએપ કહે છે કે તેના મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે, પરંતુ હકીકતમાં તે મેસેજને અધવચ્ચેથી ઇન્ટરસેપ્ટ કરી રહ્યું છે. ઉપરાંત થર્ડ પાર્ટી સાથે ડેટા શેરિંગના પણ આક્ષેપ થયા છે, આક્ષેપ છે કે મેટા પ્લેટફોર્મ્સ એક્સેન્ચર જેવી ત્રીજી પક્ષની કંપનીઓ સાથે યુઝર્સના ખાનગી મેસેજ શેર કરી રહ્યું છે.
ઈલોન મસ્ક અને પાવેલ ડુરોવની પ્રતિક્રિયા
મસ્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વોટ્સએપ પર ભરોસો કરી શકાય તેમ નથી. તેમણે લોકોને વોટ્સએપ છોડીને 'X ચેટ' વાપરવાની સલાહ આપી છે અને ત્યાં અસલી પ્રાઇવેસી મળતી હોવાનો દાવો કર્યો છે.
ટેલિગ્રામના વડા પાવેલ ડુરોવે આને ઇતિહાસનું સૌથી મોટું એન્ક્રિપ્શન ફ્રોડ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, વોટ્સએપ અબજો યુઝર્સને ગેરમાર્ગે દોરે છે, જ્યારે ટેલિગ્રામે ક્યારેય આવું કર્યું નથી.
મેટાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
આ ગંભીર આરોપો પર વોટ્સએપના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ તમામ દાવાઓ સંપૂર્ણપણે જૂઠા અને વાહિયાત છે. વોટ્સએપ છેલ્લા એક દાયકાથી સિગ્નલ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે, જે ખાતરી આપે છે કે મેસેજ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ પણ તેને વાંચી શકતું નથી.
મસ્ક વિરુદ્ધ ઝુકરબર્ગ
ઈલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચેનો આ વિવાદ નવો નથી. ટ્વિટર (હવે X) ના મુકાબલે થ્રેડ્સ લોન્ચ કરવાથી લઈને AI બોટ ગ્રોક સુધી બંને વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. અગાઉ બંને વચ્ચે કેજ ફાઈટ માટે પણ પડકારો ફેંકવામાં આવ્યા હતા.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું છે?
આ એક એવી સુરક્ષા તકનીક છે જે તમારા મેસેજને એક ગુપ્ત કોડમાં ફેરવી દે છે. આ મેસેજને માત્ર મોકલનાર અને મેળવનાર જ વાંચી શકે છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, હેકર્સ કે ખુદ સર્વિસ આપતી કંપની પણ તમારા ફોટા, કોલ કે મેસેજને જોઈ શકતી નથી.

